Surat : સરથાણામાં ઓછા વજનની સોનાની ચેઈન આપી 75 હજારની દાગીના લઈ ફરાર થનાર ઠગબાજ ઝડપાયો
સુરતના સરથાણામાં દોઢ મહિના પહેલા ઓછા વજનની ચેઇન આપીને 75 હજારના દાગીના પડાવી ગયેલો ઠગબાજ ઝડપાયો છે. ઠગ યુવક બીજીવાર છેતરપિંડી કરવા આવતા જ ઝડપાયો હતો. આ ઠગબાજનો ફોટો જ્વેલર્સના માલિકે સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ કર્યો હતો. તેના આધારે ઠગબાજ ઝડપાઈ જતા પોલીસના હવાલે કર્યો હતો.
Surat : રાજ્યમાં અવારનવાર ઠગાઈની ઘટના સામે આવતી હોય છે. જેમાં ઘણીવાર ઠગબાજો અલગ અલગ પ્રકારની ઠગાઈ કરતા હોય છે. આવી જ એક ઠગાઈની ઘટના સુરતમાં બની હતી. સુરતના સરથાણામાં દોઢ મહિના પહેલા ઓછા વજનની ચેઇન આપીને 75 હજારના દાગીના પડાવી ગયેલો ઠગબાજ ઝડપાયો છે. ઠગ યુવક બીજીવાર છેતરપિંડી કરવા આવતા જ ઝડપાયો હતો. આ ઠગબાજનો ફોટો જ્વેલર્સના માલિકે સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ કર્યો હતો. તેના આધારે ઠગબાજ ઝડપાઈ જતા પોલીસના હવાલે કર્યો હતો.
મૂળ અમરેલીના ખાંભાના ખડાધારના વતની અને સુરતમાં કામરેજ નનસાડ રોડ વ્રજનંદીની રેસીડેન્સીમાં રહેતા 33 વર્ષીય જૈમીનકુમાર નથુભાઇ શિરોયા સરથાણા યોગીચોક ક્રિષ્ના રો હાઉસ દુકાન નં.13 ખાતે દિલીપભાઇ નાકરાણીની માલિકીના નાકરાણી ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. દોઢ મહિના પહેલા એક વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો.
આ યુવકે સોનાની ચેઇન બતાવી તેના બદલામાં બીજી સોનાની ચેઇન અને પેન્ડલ લેવાનું કહીને 75 હજારના દાગીના ખરીદી લીધા હતા. અજાણી વ્યક્તિએ આપેલી ચેઇન તપાસ કરતા તે માત્ર 7600 રૂપિયાની જ નીકળી હતી. આ બાબતે જૈમીનભાઇએ પોતાના શેઠને જાણ કરી હતી.
દુકાન માલિકે ઠગબાજનો ફોટો કર્યો વાયરલ
બીજી તરફ અજાણી વ્યક્તિનો ફોટો જ્વેલર્સના ગ્રૂપમાં વાયરલ કરી દેવાયો હતો. અને તેનાથી સાવચેત રહેવાની સૂચના અપાઇ હતી કે, આ વ્યક્તિ 20 કેરેટના માર્કિંગવાળી ચેઇન લઇ બજારમાં ફરે છે, ખરેખર તેની પાસે માત્ર આઠ કેરેટ જ સોનુ છે. ત્યાં ફરીવાર આ યુવક રવિવારે બપોરના સમયે આવ્યો હતો અને એક ચેઇનની સામે 18 કેરેટ વજનનું સોનાનું ડોક્યું પસંદ કર્યું હતું. ફોટાના આધારે જૈમીનકુમાર આ ઠગબાજને ઓળખી ગયા હતા.
તેઓએ તાત્કાલીક જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. થોડા સમયમાં જ સરથાણા પોલીસનો સ્ટાફ આવી જતા પોલીસ તેની ધરપકડ કરી હતી. આ ઠગબાજ વ્યક્તિ સરથાણા સંતદેવીદાસ સોસાયટીમાં રહેતો દિનેશ પ્રભુદાસ લશ્કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.