Surat: કોર્ટ બિલ્ડીંગ પાસે હત્યા મામલો, બંને આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

Surat: કોર્ટ બિલ્ડીંગ પાસે હત્યા મામલો, બંને આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

Baldev Suthar
| Edited By: | Updated on: May 10, 2023 | 8:47 PM

સુરતમાં કોર્ટ મુદતે આવેલા આરોપીને બે ઈસમોએ ઉપરા છાપરી ચ્પ્પુના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બંને હત્યારાઓની સુરત પોલીસે કરજણ પાસેથી ઝડપી પાડ્યા હતા. હત્યા કર્યા બાદ આરોપીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી હતી. બીજી તરફ બંને આરોપીઓને સાથે રાખી પોલીસે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

સુરત કોર્ટ બિલ્ડીંગ પાસે ગત 5 મેના રોજ હત્યાના કેસમાં એવું હતું કે કોર્ટ મુદતે આવેલા સુરજ યાદવની હત્યા કરવામાં આવી હતી. બે ઈસમોએ જાહેરમાં જ સુરજ યાદવને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યાની આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બીજી તરફ આ ઘટનામાં બંને આરોપીઓ કરણસિંગ રામપાલસિંગ રાજપૂત અને ધીરજ પ્રમોદસિંગ રાજપૂતને કરજણ પાસેથી પોલીસે ઝડપી પાડ્યા હતા.

આજે બંને આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બંને આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.

શું હતી ઘટના

સુરતના સચિન પાલીગામ પાસે ૮ મહિના અગાઉ દુર્ગેશ યાદવની હત્યા થઇ હતી. જેમાં પોલીસે સુરજ યાદવ, મનીષ ઝા, સંદીપ ઉર્ફ્ર ગડ્ડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન સચિન ખાતે રહેતો સુરજ ઇન્દ્રજીતભાઈ યાદવ ત્રણ મહિના અગાઉ જ સુરત જિલ્લાની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. જેથી હાલમાં તે દિલ્હી સ્થિત તેના ડોક્ટર ભાઈ સાથે રહેતો હતો. દરમ્યાન 5 મેના રોજ સુરજ યાદવની સુરત કોર્ટમાં મુદત હતી જેથી તે વહેલી સવારે ટ્રેન મારફતે દિલ્હીથી સુરત આવ્યો હતો અને સુરત આવ્યા બાદ પોતાના ઘરે જઈને ફ્રેશ થઈને પિતાની બુલેટ લઈને તેના મિત્ર રવિ ચૌહાણ સાથે અઠવા લાઈન્સ સ્થિત સુરત કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો.

બપોરે એકાદ વાગ્યાના અરસામાં કોર્ટ બિલ્ડીંગ પાસે સુરજ પર જે વ્યક્તિની હત્યાનો આરોપ હતો તે દુર્ગેશ યાદવના મિત્રો કરણ રાજપૂત અને ધીરજ ત્યાં આવી પહોચ્યા હતા અને સુરજને આંતરીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બીજી તરફ તેનો મિત્ર રવિ ત્યાંથી જીવ બચાવી ભાગ્યો હતો. આ ઘટનામાં સુરજ યાદવને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. બીજી તરફ તેને હોસ્પિટલ લઇ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જાહેરમાં બનેલા હત્યાના આ બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો : પુણાના કેમિસ્ટ પાસે 1.5 લાખની ખંડણી માગનારા તોડબાજ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સની ધરપકડ, જુઓ Video

હત્યા બાદ સોશિયલ મીડીયામાં પોસ્ટ પણ મુકાઈ હતી

જાહેરમાં થયેલી હત્યાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં બંને ઈસમો સુરજને ચપ્પુના ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીકતા હોવાનું દેખાયું હતું. આ બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને હત્યા કરીને કેબલ બ્રીજ પરથી ફરાર થઇ ગયેલા બંને આરોપી કરણસિંગ રામપાલસિંગ રાજપૂત અને ધીરજ પ્રમોદસિંગ રાજપૂતને કરજણ પાસેથી ઝડપી પાડ્યા હતા. હત્યા કર્યાની થોડી જ ક્ષણોમાં આરોપીએ ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર, ખૂને કે બદલે ખૂન ’

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 10, 2023 05:54 PM
g clip-path="url(#clip0_868_265)">