Surat : મ્યુનિસિપલ કમિશનરની વડોદરા બદલી, શાલિની અગ્રવાલ હશે નવા કમિશનર
તેમના સ્થાને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા બજાવી ચૂકેલા બંછાનીધી પાનીની બદલી કરવામાં આવી છે. તેમની બદલી વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. જયારે તેમના સ્થાને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. બંછાનીધી પાનીએ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રેષ્ઠતમ કામગીરી કરી હતી જેમાં ખાસ કરીને કોરોના સમયમાં યોગ્ય વ્યૂહ રચનાના આધારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા સહીત સુરતના અનેક મોટા પ્રોજેકટોને પૂર્ણતાની કક્ષાએ લઇ જવાનો સમાવેશ થાય છે. ટ્રિપલ T, સ્વચ્છતા સર્વેક્ષણ, પાલ ઉમરા બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ, ઈંસ્ફ્રસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે બંછાનીધી પાનીએ સુરતને હમેશા અગ્રેસર રાખ્યું છે.
વર્ષ 2019 ઓગસ્ટમાં બંછાનિધિ પાનએ સુરત શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ સુરતને સ્વચ્છતાના ધોરણે શહેરને દેશભરમાં નંબર વન બનાવવાની પહેલ હાથ ધરી હતી. જેમાં તેમને મહદઅંશે સફળતા પણ મળી હતી. તેઓએ વર્ષ 2020માં સુરતને સ્વચ્છતાના મામલે નંબર 2 બનાવ્યું હતું. આ સિવાય તેઓએ સુરતમાં પાલ-ઉમરા બ્રિજનો કોયડો ઉકેલી બ્રિજ ઝડપથી શરૂ થાય તે માટે પણ તેઓનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. આ ઉપરાંત શહેરમાં જયારે કોરોના પીક પર હતો ત્યારે કોરોના સંક્ર્મણ નાથવા માટે અને વેક્સિનેશનની કામગીરી પણ ઝડપી બનાવવા પણ કાબિલેતારીફ કામગીરી કરી હતી.
સુરતમાં હવે તેમના સ્થાને શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે આવી રહ્યા છે. શાલિની અગ્રવાલે જૂન 2021માં વડોદરાના મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. શાલિની અગ્રવાલ આ પહેલા કલેક્ટર તરીકે સારી કામગીરી કરી ચુક્યા છે, તથા તેઓ સ્ટ્રેટેજીસ્ટ, પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને વિવાદોથી દુર રહ્યા હોવાની છાપ પણ ધરાવે છે. તેઓને હવે સુરત મહાનગરપાલિકા કમિશ્નર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..