Surat : મેટ્રો કામગીરીને કારણે તિબેટિયન બજાર આ વર્ષે સુરતમાં ક્યાં ભરાશે તે અંગે મૂંઝવણ
જ્યાં તિબેટિયન માર્કેટ ભરાય છે ત્યાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. જેથી તિબેટિયન એસોસિયેશન દ્વારા સુરત મહાનગરપાલિકા પાસે નવી જગ્યાની માંગણી કરવામાં આવી છે.
સુરતમાં છેલ્લા 36 વર્ષથી સુરતના(Surat ) ચોકબજાર વિસ્તારમાં આવેલા ગાંધીબાગની પાછળના ભાગમાં ભરાતું તિબેટિયન બજાર(Tibetian Market ) આ વર્ષે સુરતમાં ક્યાં ભરાશે તે અંગે મૂંઝવણ જોવા મળી રહી છે. વર્ષોથી જ્યાં તિબેટિયન માર્કેટ ભરાય છે ત્યાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. જેથી તિબેટિયન એસોસિયેશન દ્વારા સુરત મહાનગરપાલિકા પાસે નવી જગ્યાની માંગણી કરવામાં આવી છે.
સુરતમાં ગયા વર્ષે કોરોનાના કારણે ગરમ કપડાંની તિબેટિયન બજાર ભરાયું ન હતું. પરંતુ આ વર્ષે તિબેટિયન એસોસિયેશન દ્વારા આ વર્ષે સુરતમાં માર્કેટ ભરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. સુરતમાં વર્ષ 1985થી તિબેટિયન માર્કેટ ભરાતું આવ્યું છે. દર વર્ષે સુરતીઓ અહીંથી ગરમ કપડાંઓની ખરીદી કરે છે.
ગયા વર્ષે કોરોનાના કારણે સુરતમાં મીની લોકડાઉં ચાલતું હોવાથી અન્ય માર્કેટની જેમ તિબેટિયન માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું હતું. ગાંધી બાગની ખુલ્લી જગ્યામાં તિબેટિયન માર્કેટ શિયાળામાં શરુ થાય છે. આ વર્ષે પણ ત્યાં જ માર્કેટ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે.
જોકે હાલ આ જગ્યાએ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેથી ત્યાં માર્કેટ ભરવા માટે પરવાનગી આપવામાં આવી નથી. જેના કારણે તિબેટિયન એસોસિયેશન દ્વારા અઠવાગેટ પાર્ટી પ્લોટની જગ્યાની માંગણી કરવામાં આવી છે. અને વહેલી મંજૂરી મળે તે માટે રજુઆત પણ કરવામાં પણ આવી છે.
જોકે સમસ્યા એ છે કે તિબેટિયન એસોસિયેશન દ્વારા જે અઠવાગેટ પાર્ટી પ્લોટ પર જગ્યા માંગવામાં આવી છે તે જગ્યાએ હાલ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી દરમ્યાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરે છે. અને હાલ બીજા અનેક કાર્યક્રમોને મંજૂરી મળી છે તેમ મનપાના ફૂડ ફેસ્ટિવલને પણ મંજૂરી મળે અને તે યોજાશે તે નક્કી છે.
તેથી આ જગ્યા પણ તિબેટિયન એસોસિયેશનને માર્કેટ ભરવા માટે નહીં આપવામાં આવે તે નક્કી છે. જેના કારણે આ વર્ષે તિબેટિયન માર્કેટ માટે કઈ જગ્યા ફાળવવમાં આવશે તે એક પ્રશ્ન છે. જો કે અઠવાગેટ પાર્ટી પ્લોટ સિવાય અન્ય કોઈ પાર્ટી પ્લોટ કે પાલિકાની જગ્યા પર તિબેટિયન માર્કેટ આ વર્ષે ભરવાની મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો :