Surat Breaking News : શેરબજારના લોસની ભરપાઈ કરવા માલિકોએ જ કરી ₹3.49 કરોડની ચોરી! CCTV ડિલીટ કરવા AIની પણ લીધી મદદ, ‘નક્ષત્ર સેફ વોલ્ટ’ કાંડમાં પર્દાફાશ
સુરતના ચર્ચિત નક્ષત્ર સેફ વોલ્ટ ચોરીકાંડમાં મોટો ખુલાસો થયો છે. શેરબજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વોલ્ટના માલિક પિતા-પુત્રોએ જ ₹3.49 કરોડની ચોરીનું કાવતરું રચ્યું હોવાનો પોલીસનો દાવો છે. તપાસમાં AIની મદદથી CCTV ફૂટેજ ડિલીટ કર્યાનો પણ ખુલાસો થયો છે.

સુરત ચર્ચિત નક્ષત્ર સેફ વોલ્ટ ચોરીકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ચોરીનો આંકડો હવે ₹3.49 કરોડ સુધી પહોંચી ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શેરબજારમાં થયેલા અંદાજે ₹3 કરોડના નુકસાનની ભરપાઈ કરવા માટે વોલ્ટના માલિક પિતા-પુત્રોએ જ ચોરીનું કાવતરું રચ્યું હતું. દરરોજ ઓછા લોકર ખુલતા હોવાથી સિંગણપોર બ્રાન્ચને ‘સોફ્ટ ટાર્ગેટ’ બનાવવામાં આવી હતી. ડુપ્લિકેટ ચાવી બનાવનાર વ્યક્તિને એક લોકર તોડવા બદલ ₹1,200 રોકડા ચૂકવવામાં આવતા હતા.
સૂત્રો અનુસાર, આરોપીઓએ CCTV ફૂટેજ કાયમી રીતે ડિલીટ કરવા માટે ‘Google Gemini’ (AI)ની પણ મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. વધુ ત્રણ ગ્રાહકોના 116.5 તોલા સોનાની ચોરી પણ થઈ છે. આ કેસમાં વોલ્ટના માલિક પિતા-પુત્રો ઉપરાંત ચોરીનું સોનું ખરીદનારા બે સોનીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹15 લાખની રોકડ રકમ તેમજ બેંકમાં જમા કરાયેલી રકમની સ્લિપો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પીડિતના પોલીસ ફરિયાદ બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો
સૂત્રો અનુસાર, વર્ષ 2020થી સિંગણપોરના નક્ષત્ર સેફ હાઉસમાં લોકર ધરાવતા એક ગ્રાહકનું સોનું ચોરાયાનું સામે આવ્યું હતું. 8 મે, 2026ના રોજ જ્યારે લોકર ખોલાયું ત્યારે બધું સલામત હતું. પરંતુ, તેના બે મહિના બાદ જ્યારે લોકર ખોલાયું ત્યારે 63 તોલા સોનાના દાગીના ગાયબ હતા. પીડિતે CCTV ચકસાસવા માંગતા સંચાલકો ઉશ્કેરાયા હતા. જેને લીધે શંકા જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને પછી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે
લોકરના સંચાલક મહેશ દિયોરા, તેના બે પુત્ર હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરાએ જ પૂર્વનિયોજીત ષડયંત્ર રચી સોનું ગાયબ કર્યું હતું. આ માટે લોકર બ્રેકર મણીલાલની મદદ લીધી હતી. તેમજ લોકર તોડવામાં આવ્યા હતા. દાગીના કાઢી લઈ તેને બજારમાં વેચી રકમ પડાવી લેવાનું કાવતરું હતું. સમગ્ર મામલે પોલીસે પિતા-પુત્ર અને લોકર બ્રોકર એમ ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ
જો કે ચોરીની વાત ફેલાતા જ લોકરધારકો ચિંતામાં મુકાયા હતા. અને પોતાના દાગીના ચેક કરવા નક્ષત્ર સેફ હાઉસમાં પહોંચી ગયા હતા. જો કે ચોંકાવનારી વાત એ છે કે કેટલાંક લોકરધારકો જ્યારે સેફ હાઉસ પર પહોંચ્યા તો ડેટામાં તેમનું નામ જ નથી બોલી રહ્યું. જેને પગલે છેતરપિંડીનો આ આંક હજુ ઊંચો જાય તેવી ભીતિ છે. વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો. સમગ્ર શહેરમાં અફરાતફરી જેવો માહોલ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો પોલીસ વધુ તપાસ માટે CCTV ફૂટેજની મદદ લઈ રહી છે.
