Sabarkantha: નવા ખરીદેલા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો યુવક કચેરીમાં જ ઢળી પડ્યો, 35 વર્ષના યુવાનનુ મોત
પ્રાંતિજના પોગલુ ગામનો યુવક પોતાનુ નવુ ઘર ખરીદવા માટે સપનુ જોઈ રહ્યો હતો. જે પુરુ થવાની ખુશીઓ સાથે ઘરનો દસ્તાવેજ કર્યો અને એ કામકાજ રજીસ્ટ્રાર કચેરીમાં પુરુ થતા જ ઢળી પડ્યો હતો.
યુવાન વયે મોત નિપજવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હિંમતનગર શહેરમાં આવી જ રીતે એક યુવાન નવા ઘરનો દસ્તાવેજ કરવા ગયો અને સરકારી કચેરીમાં જ ઢળી પડ્યો હતો. પ્રાંતિજના પોગલુ ગામનો યુવાન હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવે છે. ઘરનુ ઘર ખરીદવાનુ સપનુ હોઈ તેણે પોતાનુ ઘર હિંમતનગરમાં ખરીદ્યુ હતુ અને જેનો દસ્તાવેજ કરવા માટે બહુમાળી ભવનમાં ગયો હતો, જ્યા ઘરનો દસ્તાવેજ કરી ઉભો થતા જ ઢળી પડ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી પોગલુના પરીક્ષીત પટેલને પોતાનુ ઘરનુ ઘર ખરીદવાનુ સપનુ હતુ. આ સપનુ સાકાર થયાની ક્ષણ વારમાં જ તે પોતાનો જીવ ગુમાવી બેઠો હતો. નવા ઘરનો દસ્તાવેજ કરીને કચેરીમાં ઉભો જ રહ્યો હતો અને યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. દસ્તાવેજ કરવા માટે સાથે આવનાર સ્ટેમ્પ વેન્ડરે તેને ઉભો કરવા પ્રયાસ કરતા જ તે બેહોશ જોવા મળ્યો હતો. કચેરીના સ્ટાફ અને સ્ટેમ્પ વેન્ડરે મળીને તેને હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથ ધરી હતી. પરંતુ હ્રદય રોગના હુમલાથી મોતને ભેટ્યો હતો.
ઘરનુ ઘર થયુ અને પરિવાર પર આભ તૂટ્યૂ
પરિવારને પોતાનુ ઘર થાય એવુ સપનુ હતુ. આ સપનાને સાકાર કરવા માટે પરીક્ષીત પટેલ અને તેના પરિવારે અનેક પ્રયાસો અને સંઘર્ષ કર્યા હતા. ખૂબ પ્રયાસોને અંતે હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ નિલંકઠ વિલા સોસાયટીમાં મકાન ખરીદ્યુ હતુ. જે મકાનનો દસ્તાવેજ કરવા માટે સોમવારનો દિવસ વેચનાર મકાન માલીક સાથે નક્કી કરવામાં આવ્યો હતો. આ મુજબ 31 જુલાઈએ દસ્તાવેજ કરવા માટે બહુમાળી ભવનમાં રજીસ્ટ્રાર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં દસ્તાવેજની પ્રક્રિયા પુર્ણ કરી હતી અને ઘરના માલિક બન્યાની રાહતનો શ્વાસ લઈને ખુશીઓ વ્યક્ત કરે એ પહેલા જ ઈશ્વરે તેમના માટે અલગ જ મંજૂર કર્યુ હતુ. પરીક્ષીત દસ્તાવેજ કરીને કચેરીમાં ઉભો જ રહ્યો અને ત્યાંજ ઢળી પડ્યો હતો.
યુવક ઢળી પડતા સ્ટેમ્પ વેન્ડર કમલેશભાઈએ તેને ઉભો કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ બેહોશ જણાતા અન્ય આસપાસના લોકો અને કચેરીનો સ્ટાફ પણ બેહોશ યુવકને ઉભો કરવા પ્રયાસમાં લાગ્યો હતો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જેને આવતા વાર લાગવાનુ જણાતા જ તુરત કચેરી બહાર રહેલી રીક્ષામાં લઈને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા હતા. જ્યા તેને તબિબે મૃત જાહેર કર્યો હતો. આમ ઘરનુ ઘર ખરીદીને 8 વર્ષના પુત્ર સાથે પરિવાર મળીને ખુશીઓ મનાવે એ પહેલા જ ઘર પર આભ તૂટી પડ્યુ હતુ.