હિંમતનગરને રાજ્ય સરકારે દિવાળીની મોટી ભેટ આપી, અદ્યતન શહેર બનાવવા હુડા લાગુ કરાશે
હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારના ગામડાઓને આવરી લેતા હિંમતનગર અર્બન ડેવલેપમેન્ટ ઓથોરિટીને લાગુ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2012માં હુડા જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ કેટલાક કારણો સર તેની અમલવારી કરવામાં આવી નહોતી અને તેને માત્ર શહેરી વિસ્તાર પુરતુ મર્યાદીત કરી દેવામાં આવ્યુ હતુ. જોકે તેની અમલવારી માટે શહેરીજનો અને આસપાસના ગ્રામજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હુડાને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈ અમલમાં મુકવાનો મુખ્યપ્રધાને નિર્ણય કર્યો છે.
હિંમતનગરને દિવાળીની અમૂલ્ય ભેટ રાજ્ય સરકારે આપી છે. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને લાગુ કરવાનો આદેશ કર્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારના વિકાસ માટે હુડાને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે રાહ જોવામાં આવી રહી હતી. પરંતુ એક દશક બાદ ફરી એકવાર હુડાની અમલવારી શરુ થવાની ભેટ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.
આ પણ વાંચોઃ કાળી ચૌદશે ગામ આખુ સ્મશાનમાં પહોંચે છે, દિવડા પ્રગટાવે છે અને કરે છે આરતી
હુડાને આ પહેલા વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યુ હતુ. એ દરમિયાન હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જેમાં સમાવેશ કરીને હુડાની અમલવારી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. હિંમતનગરની કાયાપલટ કરતુ હુડાને લાગુ કરવા માટેની શરુઆત કરવામાં આવી હતી. પરંતુ દશ વર્ષથી તે અમલવારી અધૂરા સ્વપ્નની જેમ રહી ગઈ હતી.
હુડા લાગવાથી શુ ફાયદા થશે?
અમદાવાદ અને ગાંધીનગરમાં ઔડા અને ગુડા લાગવાને લઈ બંને શહેરોનો વિકાસ હરફાળ ભરવા લાગ્યો હતો. જેને લઈ રાજ્ય સરકારે મધ્યમ શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને શહેર આસપાસના ગામડાઓનો વિકાસ કરવા માટે અર્બન ઓથોરિટીને વધુ શહેરોમાં લાગુ કરવામાં આવ્યુ હતુ. જેને લઈ અનેક શહેરોમાં વિકાસ ઝડપી બનવા પામ્યો હતો.
હિંમતનગરમાં હુડા લાગુ થવાને લઈ હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો યોગ્ય પ્લાનીંગ સાથે વિકાસ ધમધમવા લાગશે. હાલમાં હડિયોલ અને બેરણાં રોડ પર શરુ થયેલો વિકાસ આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાશે. આરોગ્ય, બાગ બગીચા, શિક્ષણ, મોલ, શોપિંગ સેન્ટર, મોટા અને સુંદર રોડ રસ્તા સહિત અનેક પ્રકારના યોગ્ય આયોજનો હુડા અંતર્ગત શરુ થશે. જે હિંમતનગરને આધુનિક શહેરની ઓળખ અપાવશે.
આસપાસના ગામડાઓ સહિત હિંમતનગર શહેરનો વિકાસ હવે ઝડપી બનશે. વિસ્તારના અનેક જમીન માલિકોની સમૃદ્ધી વધશે. સાથે જ રોજગારીની નવી તકો પણ ખુલવા લાગશે. શહેરમાં અનેક સ્થળે સુંદર પ્રકારના આયોજનો કરવામાં આવશે.
શહેરમાં હાલમાં ટ્રાફિક અને ગીચતાનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. પરંતુ સતત વિસ્તરતા રહેતા હિંમતનગરને હવે વિકાસનો વેગ મળશે. શહેરમાં પ્રવેશ કરતા નવા રસ્તાઓ તૈયાર થશે. આ ઉપરાંત રિંગ રોડ જેવા રોડ રસ્તાઓનુ નિર્માણ થશે. આ માટે થઈને વિશેષ પ્રકારના આયોજન હાથ ધરાશે. આ માટે ધારાસભ્ય વિનેદ્ર્સિંહ ઝાલાએ હિંમતનગરના વિકાસના સપનાને સાકાર કરવા માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.