Sabarkantha: યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થવા શિવજીની 51 ફુટ પ્રતિમા સમક્ષ સવા મણ રુ ની જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરાઇ, ભક્તોએ ઘીની આહુતી આપી
શિવરાત્રી (Maha Shivratri) ના દિવસે સવા મણ રુમાંથી વિશાળ દિવેટનો દિવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં ભક્તો આ દિવામાં ઘીની આહુતી આપીને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતી માટે પ્રાર્થના કરતા હોય છે.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર નજીક ભગવાન શિવની 51 ફુટ ઉંચી સહસ્ત્રલીંગ ધરાવતી પ્રતિમા આવેલી છે. જેના સમક્ષ વિશ્વ કલ્યાણ અર્થે પ્રતિ વર્ષ શિવરાત્રી (Maha Shivratri) ના દિવસે સવા મણ રુ માંથી વિશાળ દિવેટ બનાવી જ્યોત પ્રગટાવવામાં આવે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (Ukraine Russia War) નુ સમાપન થાય અને વૈશ્વિક વાતારણમાં શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજે શિવરાત્રીની ઉજવણી દરમિયાન ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા.
હિંમતનગરના બેરણાં નજીક કંટાળેશ્વર હનુમાનજીનુ વિશાળ ધામ આવેલ છે. અહી ભગવાન શિવની 51 ફુટની વિશાળ પ્રતિમા આવેલી છે. અહિં ભક્તો વાર તહેવારે ભક્તી અને આરાધ્ય ભાવ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં ઉમટતા રહેતા હોય છે. અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યમાં બિરાજમાન ભગવાન શિવની પ્રતિમા સમક્ષ પ્રતિવર્ષ શિવરાત્રીના દિવસે સવા મણ રુમાંથી વિશાળ દિવેટનો દિવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં ભક્તો આ દિવામાં ઘીની આહુતી આપીને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતી માટે પ્રાર્થના કરતા હોય છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. જેને લઇ દિવો પ્રગટાવીને આ યુદ્ધ સમાપ્ત થાય અને વિશ્વમાં શાંતીનો માહોલ સ્થપાય એવી પ્રાર્થના કરવામા આવી હતી.
યુક્રેન અને રશિયા યુદ્ધ શાંત થવાની પ્રાર્થના
હાલમાં વિશ્વભરનુ ધ્યાન રશિયા અને યુક્રેન વચ્ચેની પરિસ્થીતી પર છે. અનેક દેશના વિધ્યાર્થીઓ પણ ત્યાં ફસાયેલા છે. બંને દેશોની તંગદીલીને લઇ ચિંતાઓ વ્યાપી રહી છે અને તેની આડ અસરો પણ અન્ય દેશો પર વર્તાવા લાગી છે. આમ આવી સ્થિતી થાળે પાડવા માટે યુદ્ધ રોકાઇ જાય અને શાંતિ સ્થપાય એ જરુરી છે. બેરણાં ના કંટાળેશ્વર હનુમાનજી ધામ ખાતે શિવરાત્રીના આયોજન કરી રહેલા વ્યવસ્થાપક નિરજ ખંભાયતા એ કહ્યુ હતુ કે, અહી પ્રતિ વર્ષ સવા મણ રુમાંથી દિવો પ્રગટાવવામાં આવે છે અને વિશ્વ શાંતી માટે શિવરાત્રીએ પ્રાર્થવા કરવામાં આવે છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે જે સમાપ્ત થાય અને શાંતી સ્થપાય એ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્તોએ આહુી અર્પી ધન્યતા અનુભવી
પ્રતિવર્ષ અહી દર્શન કરવા માટે આવતા પિયુષ બારોટે કહ્યુ હતુ કે, અહીંયા છેલ્લા 20 વર્ષ થી આવુ છુ, અહી વિશાળ દિવો પ્રગટાવવામાં આવ્યા છે અને આ સુંદર વાતાવરણમાં અલગજ અનુભૂતી થાય છે. ભક્ત જિગીષા સુખડીયાએ કહ્યુ, હુ 25 વર્ષ થી અહી આવુ છુ અને અહી જ્યોત પ્રગટાવવામાં આવે છે. શિવરાત્રીએ ભક્તિમય વાતાવરણ વચ્ચે આનંદ આવે છે, આજે અહીં જ્યોતમાં આહુતી આપીને વિશ્વ શાંતી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.
કોરોના કાળમાં પણ કરાઇ હતી પ્રાર્થના
અહી શિવજીની વિશાળ પ્રતિમા પર 1008 શિવલીંગ છે. જેના કારણે આ પ્રતિમાને સહસ્ત્રલીંગ શિવજીની પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે. અહી બે દશક થી સવા મણ રુ ની વિશાળ જ્યોત પ્રગટાવીને વિશ્વકલ્યાણની પાર્થના કરે છે. ભક્તો પણ તેમાં ઘીની આહુતી આપવા માટે દૂર દૂર થી અહી આવતા હોય છે. કોરોના મહામારી દરમિયાન પણ અહી દિવો પ્રગટાવીને કોરોનાના રોગચાળાથી રાહત આપવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કોરોના કાળ પહેલા અહિ શિવરાત્રીએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હતા. હાલમાં કોરોનાની સ્થિતીને લઇને લોકોની ભીડ પર નિયંત્રણ દાખવવામાં આવી રહ્યુ છે.
ભગવાન શિવની પુજા અર્ચના સાથે જ વિશ્વના કલ્યાણ માટેની આ અનોખી શિવરાત્રીના ઉત્સવનો ભક્તો પણ ખુબ લાભ લઇને આનંદની અનુભુતી કરતાં હોય છે. આ વખતે આવી રીતે ભક્તોએ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહીને શિવજીની ભક્તિનો આનંદ લીધો હતો.