AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Braking News : સાબર ડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન-વાઈસ ચેરમેન માટે ચૂંટણીની જાહેરાત, જાણો A ટુ Z માહિતી

સાબરકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સાબર ડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી 6 નવેમ્બરે યોજાશે.

Braking News : સાબર ડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન-વાઈસ ચેરમેન માટે ચૂંટણીની જાહેરાત, જાણો A ટુ Z માહિતી
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 29, 2026 | 10:00 AM
Share

સાબરકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બંને સંસ્થાઓમાં આગામી 6 નવેમ્બરે ધનતેરસના દિવસે ચૂંટણી યોજાશે. અઢી વર્ષની મુદત માટે હવે આ બંને સંસ્થાઓની કમાન કોના હાથમાં જશે, તેના પર સહકારી ક્ષેત્રની નજર છે.

ચૂંટણીની પ્રક્રિયા હિંમતનગર સ્થિત સાબર ડેરીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, સાબર ડેરીની ચૂંટણી સવારે 11 વાગ્યે શરૂ થશે, જ્યારે સાબરકાંઠા બેંકની ચૂંટણી બપોરે 1 વાગ્યે યોજાશે. સાબર ડેરીની ચૂંટણીમાં સવારે 11થી 11:10 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. ત્યારબાદ 11:10થી 11:15 વાગ્યા સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 11:15થી 11:25 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચવાનો સમય રહેશે.

સવારે 11:30 વાગ્યે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જો જરૂર પડશે તો સવારે 11:40થી બપોરે 12 વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાથી મતગણતરી અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સાબર ડેરીમાં હાલ શામળભાઈ બી. પટેલ ચેરમેન તરીકે અને ઋતુરાજ ડાહ્યાભાઈ પટેલ વાઈસ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી નવી ચૂંટણી યોજાઈ રહી છે. બીજી તરફ, સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકમાં હાલ હંસાબેન મુકેશભાઈ પટેલ ચેરમેન અને ભીખાજી દુધાજી ઠાકોર વાઈસ ચેરમેન તરીકે કાર્યરત છે. હવે બંને સંસ્થાઓમાં વર્તમાન હોદ્દેદારો ફરી જવાબદારી સંભાળશે કે નવા ચહેરાઓને તક મળશે, તે ચૂંટણી બાદ સ્પષ્ટ થશે.

સાબરકાંઠા બેંકના ચેરમેનપદને લઈને અગાઉ થયેલો વિવાદ પણ ફરી ચર્ચામાં છે. સભાસદોની યાદીમાં કથિત છેડછાડના આક્ષેપો વચ્ચે હંસાબેન પટેલની ચેરમેન તરીકેની પસંદગીને લઈને વિવાદ ઊભો થયો હતો. આ મામલે કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવા અંગે આદેશ આપ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ વિવાદની વર્તમાન ચૂંટણી પર શું અસર પડશે તે અંગે હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી.

સાબર ડેરી અને સાબરકાંઠા બેંક બંને જિલ્લાની સહકારી વ્યવસ્થામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે 6 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી કોણ નોંધાવે છે, કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે અને અંતે ચેરમેન તથા વાઈસ ચેરમેન તરીકે કોની પસંદગી થાય છે, તે જોવાનું રહેશે. ચૂંટણીનાં પરિણામો સાથે સાબરકાંઠાના સહકારી ક્ષેત્રમાં નવી નેતાગીરીની દિશા પણ સ્પષ્ટ થશે.

ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો 25,000 કરોડ રૂપિયાનો મેગા પ્લાન! આ યુરોપિયન કંપની પર નજર 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">