સાબરડેરી ચૂંટણીઃ ગાય, ભેંસ કે બકરી નહીં તોય દૂધ મંડળીમાં સભાસદ! પૂર્વ ચેરમેન સામે તપાસની માંગ કરાઈ
સાબરડેરીની ચૂંટણીને લઈ હવે રાજકારણનો માહોલ ગરમ બન્યો છે. સહકારી આગેવાનો સાથે હવે રાજકીય આગેવીનો પણ સાબરડેરીની ચૂંટણીમાં રસ દાખવી રહ્યા છે. તો વળી કેટલાક નેતાઓ એક બીજાનો હિસાબ કરવા અને જગ્યાઓ ખાલી કરી પોતાનો રસ્તો સાફ કરવાના પણ કાવાદાવાઓ ખેલવા શરુ કર્યા છે.
સાબરડેરી રાજ્ય અને દેશમાં અગ્રણી ડેરીમાં ગણના થાય છે. સાબરડેરી દ્વારા દૂધના ઉત્પાદનોને દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. હજારો કરોડનું ટર્ન ઓવર ધરાવે છે અને અમૂલની સત્તા મેળવવા માટે પણ સાબરડેરીના ચેરમેનનું પદ મહત્વની ભૂમિકામાં રહેલું છે. આમ સહકારી આગેવાનોને સાબરડેરીની ચૂંટણીમાં રસ વધુ જાગે એ સ્વાભાવિક છે. તો વળી સાબરકાંઠા બેંકમાં મેન્ડેટ નહીં મળ્યા બાદ હવે બેંક અને સાબરડેરીના પૂર્વ ચેરમેને ફરીથી સહકારી રાજકારણમાં પગ જમાવવા માટે પ્રયાસ કર્યો છે.
પૂર્વ ચેરમેન મહેશ અમીચંદભાઈ પટેલે સાબરડેરીની ચૂંટણીના ઉમેદવાર બનવા મુખ્ય ધારા ધોરણોમાં સમાવિષ્ટ થવા માટે પ્રયાસો કર્યા છે. આ દરમિયાન સાબરડેરીની ચૂંટણી માટેની આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સમાવી લેવામાં આવતા આ માટે વિરોધ વાંધો રજૂ કરવામાં આવ્યો છે.
પશુ નથી અને મંડળીમાં મતદાર
સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ માટે સાબરકાંઠા બેંકની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી કરવાના દરવાજા બંધ થઈ ગયા હતા. ત્યાર બાદ તેઓના સહકારી રાજકારણ સામે જ સવાલો ખડાં થઈ ગયા હતા. આ દરમિયાન હવે સાબરડેરીની ચૂંટણી સામે આવી છે. સાબરડેરીની ચૂંટણીમાં મહેશ પટેલ દ્વારા ઉમેદવાર કરવા માટે ધારાધોરણમાં સમાવેશ થવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.
મોયદ ગામમાં પોતાની કોઇ મિલ્કત નહીં હોવા અને તેઓ પશુ તબેલો કે, ગાય, ભેંસ, બકરી મોયદ ગામમાં નહીં ધરાવતા હોવા છતાં મતદાર તરીકે યાદીમાં આવતા વાંધો રજૂ કરવામાં આવ્યો છે. મોયદ રુપાજી દૂધ મંડળીમાં ખોટી રીતે સભાસદ બન્યા હોવાની રજૂઆત કરીને મતાધિકાર રદ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. આ માટે ગામની મહિલા દૂધ ઉત્પાદકોએ પશુપાલકોને રજૂઆત કરી છે. રજૂઆતમાં કહ્યુ છે કે, પશુ ટેગિંગ સહિતની વિગતોની તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
મહેશ પટેલે રાજીનામુ ધરવુ પડ્યુ હતુ.
સાબરકાંઠા બેંકના ચેરમેનના નાતે ચૂંટાયા સિવાયના ડિરેક્ટર પદે મહેશ અમીચંદભાઈ પટેલ સાબરડેરીના અગાઉના નિયામક મંડળમાં સામેલ હતા. ત્યાર બાદ તેઓ આ જ નાતે સાબરડેરીના ચેરમેન પદને પણ પોતાના હસ્તગત કરી લીધું હતુ અને આ માટે પોતાની પહોંચ કેન્દ્રીય મોવડી મંડળ સુધીની હોવાની આભા ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠાઃ રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી
પરંતુ આ માટે રાજકીય દબાણ તેમને રાજીનામું ધરવા માટે વધતા આખરે ગણતરીના મહિનાઓમાં જ મહેશ પટેલે રાજીનામું ધરવું પડ્યુ હતુ. ત્યાર બાદ શામળ પટેલ ચેરમેન પદે ચૂંટાયા હતા. જે બાદમાં અમૂલના એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન નિમાયા હતા.