હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણી પર બે જિલ્લાની નજર મંડરાઈ! 60 ઉમેદવારો મેદાને
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેળવણી મંડળની ચૂંટણીને લઈ ગરમાવો આવ્યો છે. હિંમતનગર કેળવણી મંડળની સામાન્ય ચૂંટણી જાહેર થતા ઉમેદવારી પત્રો ભરવાની સમય મર્યાદાપૂર્ણ થઈ છે. આગામી 10 ડીસેમ્બરે કેળવણી મંડળની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પર હિંમતનગર શહેર સહિત જિલ્લા ભરની નજર ઠરેલી છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોની નજર હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણી પર ઠરી છે. સામાન્ય રીતે શૈક્ષણિક મંડળની ચૂંટણીઓ વિના ચર્ચાએ જ પૂર્ણ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણીને લઈ માહોલ ચર્ચાનો સર્જાયો છે. આ માટેના પણ ચોક્કસ કારણ છે અને જેને લઈ બંને જિલ્લાના લોકોની નજર મંડરાયેલી છે.
ઉમેદવારી પત્રો ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. હિંમતનગર કેળવણી મંડળમાં અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી છે અને સંસ્થાના અને વિદ્યાર્થીઓને માટે થઈને સેવાભાવ કરવાની તત્પરતા દર્શાવી છે. છેલ્લા કેટલાક સમયથી મુખ્ય કોલેજ સહિતના કેટલાક સંકુલની જર્જરીત હાલતને લઈ ફરિયાદો ઉઠી હતી અને હવે ચૂંટણી બાદ નવા મંડળ દ્વારા એ નિવારણ આવે એવી પણ ઉમેદવારો સક્ષ લાગણી વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી રાખવામાં આવી છે.
કેળવણી મંડળમાં ઉમેદવારી માટે પડાપડી
હિંમતનગર કેળવણી મંડળ જિલ્લાના સૌથી મોટા શૈક્ષણિક સંકુલનનુ સંચાલન કરે છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, ફાર્મસી, પ્રાથમિક, માધ્યમિક, ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ સહિતની શિક્ષણની સુવિધાઓ ધરાવે છે. મંડળનુ સંચાલન કરવા માટે 21 બેઠકો આવેલ છે. આ માટે 60 જેટલા અગ્રણી ઉમેદવારો મેદાને આવ્યા છે.
60 જેટલા ઉમેદવારોએ મંડળની ચૂંટણીમાં ઝૂકાવ્યુ છે. કેળવણી મંડળના હોદ્દેદાર હોવુ એ ગરીમા ભર્યુ પદ છે અને આ માટે અગ્રણીઓ પદને શોભાવી સેવા કરવા માટે તત્પર બન્યા છે. જેમાં મુખ્ય દાતા વિભાગમાં 07, દાતા વિભાગમાં 27 અને આજીવન વિભાગમાં 27 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. દાતા વિભાગમાં જોકે 8 બેઠક સામે માત્ર 7 ફોર્મ ભરાયા છે. જોકે ચૂંટણી અધિકારી મુજબ 6, ડીસેમ્બરે આ અંગેનુ ચિત્ર સ્પષ્ટ થશે. તે સમયે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો હશે.
યુનિવર્સિટીનું સપનુ સાકાર થશે
કેળવણી મંડળમાં શહેરના દૂરંદેશી વિચાર ધરાવતા અને અને શિક્ષણના વિકાસના માટે ધગશ દર્શાવતા ઉમેદવારો આ વખતે ચૂંટાઈ આવે એવો માહોલ અગાઉથી જ સર્જાયો છે. સાબર યુનિવર્સિટીની સ્થાપના કરવાની હોઈ તેમાં હિંમતનગર કેળવણી મંડળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ધગશ અને નિષ્ઠા ધરાવતા હોદ્દેદારોની વરણી થાય એમ ઈચ્છી રહ્યા છે.
સરકારમાં હિંમતનગરના વિકાસ માટેનો માહોલ પેદા થયો છે. લાંબા વર્ષો બાદ આ માહોલ ફરી જોવા મળ્યો હોઈ નવુ મંડળ શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને સુવિધાઓમાં વધારો કરી શકે એવુ હોવુ જરુરી છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માટે સાબર યુનિવર્સિટીનુ સપનુ હવે સાકાર થવાની અણી પર છે, ત્યારે બંને જિલ્લાની નજર આ કારણથી જ હિંમતનગર કેળવણી મંડળ પર ઠરી છે.