સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ટાઉન પ્લાનીંગને લઈ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને નવા ધારાસભ્ય વીડી ઝાલા ચૂંટાઈ આવ્યા બાદ વિકાસની ગતિ પકડાવા લાગી છે અને શહેર અને તાલુકામાં વિકાસ યોજના અને કાર્યો શરુ થવા લાગ્યા છે. આ ઉપરાંત શહેરના રોડ રસ્તા અને વિકાસ કાર્યોની રુપરેખા હાથ ધરાઈ છે. આ પહેલા જ મોટી ઉથલ પાથલ નગર પાલિકામાં જોવા મળી છે. વિકાસ કાર્યો હાથ ધરવા માટે અનુભવી ચિફ ઓફિસરની બદલીથી નિમણૂંક થયા બાદ હવે પાલિકામાં પણ મહત્વના વિભાગોમાં બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.
શહેરમાં ટાઉન પ્લાનીંગ કરવાને લઈ થઈ રહેલા આયોજનોની રુપરેખા તૈયાર થઈ રહી છે, એ દરમિયાન જ ટીપી વિભાગના સ્વંતંત્ર હવાલાથી કામગીરી જેને સોંપાઈ હતી એમને હટાવી દેવામાં આવ્યા છે. જેને લઈ લઈ સ્પષ્ટ સંકેત પણ શહેર તંત્રમાં મળ્યો છે કે, ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલાઓને મુખ્ય સ્થાનોએથી હટાવી દેવામાં આવશે.
નગર પાલિકામાં શરમ નેવે મુકી હોય એમ લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા અધિકારી જિજ્ઞેશ ગોરને સૌથી મહત્વના વિભાગ એવા ટીપી ડીપી ફાઈનલ ની સ્વતંત્ર કામગીરી કરવાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જેમનો કેસ હાલમાં ચાલુ હોવા છતાં મહત્વના પદ પર ફરજ સોંપવામાં આવી હતી. જેને લઈ પાલિકાના મોટા ભાગના કોર્પોરેટરોમાં કચવાટ સર્જાયો હતો. જોકે આમ છતાં વગના આધારે વિભાગનો હવાલો મેળવી લેવાયો હતો, જેને લઈ શહેર ભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ સાથે જ અનેક જૂના અને અનુભવી કોર્પોરેટરો અને ચેરમેનોએએ પણ આ વિભાગથી અંતર બનાવી લીધુ હતુ જેથી પોતાની છબી સ્પષ્ટ રહે.
જોકે સોમવારે અચાનક જ એકાએક બદલીઓના આદેશને જાહેર કરવામાં આવતા સૌથી પ્રથમ ક્રમે જિજ્ઞેશ ગોરની બદલી કર્યાનુ સામે આવ્યુ હતુ. શહેરના ટાઉન પ્લાનીંગ અંગેની મહત્વની જવાબદારી સંભાળનાર અધિકારીને બગિચા વિભાગની ટિકિટ બારી પરની કામગીરી સોંપવામાં આવી છે. જ્યાં વિભાગના વડા સૂચવે એ પ્રમાણેની કામગીરી તેઓએ કરવાની રહશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…