AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ પાછળ શું છે ગણિત ? જાણો

ભાજપે ગુજરાતમાંથી દેશના રાષ્ટ્રીય અધ્યક્ષને રાજ્યસભાના સાંસદ તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે ત્યાં બીજી તરફ પાયાના કાર્યકર્તાઓનું પણ ભાજપ ધ્યાન રાખે છે તેવો પણ એક સંદેશ આપવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના નેતા તથા ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક પણ રાજ્યસભાના સાંસદ બનશે અને આ સાથે જ ભાજપે એક કાંકરે બે શિકાર કર્યા છે.

ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ પાછળ શું છે ગણિત ? જાણો
BJP
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 14, 2024 | 5:28 PM
Share

આખરે ભાજપે ગુજરાતમાં રાજ્યસભાના ચારેય ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ઉમેદવારોના નામની જાહેરાત સાથે ગુજરાત ભાજપ ફરી એકવાર દેશના રાજકારણમાં અગ્રસ્થાને પહોંચી ગયો છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હવે ગુજરાત રાજ્યસભાના સાંસદ બનશે. જ્યાં ભાજપે ગુજરાતમાંથી દેશના રાષ્ટ્રીય અધ્યક્ષને રાજ્યસભાના સાંસદ તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે ત્યાં બીજી તરફ પાયાના કાર્યકર્તાઓનું પણ ભાજપ ધ્યાન રાખે છે તેવો પણ એક સંદેશ આપવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતના નેતા તથા ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક પણ રાજ્યસભાના સાંસદ બનશે અને આ સાથે જ ભાજપે એક કાંકરે બે શિકાર કર્યા છે. મયંક નાયકને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કરી એક તરફ ઓબીસી સમાજને મહત્વ આપવામાં આવ્યું છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ મજબૂત બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતને મજબૂત કરવા અને તેમાં પણ ઓબીસી સમુદાયને પોતાના તરફી કરવા માટે ભાજપ છેલ્લા કેટલા સમયથી પ્રયાસ કરી રહી છે, આ પહેલાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં જુગલજી ઠાકોરની ટર્મ પૂર્ણ થતાં ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી સમાજના નેતા બાબુ દેસાઈને સ્થાન આપવામાં આવ્યું અને આજે મયંક નાયકની પસંદગી કરવામાં આવી.

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ મયંક નાયક

મયંક નાયક ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. આ ઉપરાંત મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી છે. પાટણ જિલ્લામાં ભાજપનો અગ્રણી ચહેરો મનાય છે. તો પાર્ટીમાં સર્વગ્રાહી ચેહરો તથા પાયાના કાર્યકર્તા છે.

અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા

મયંક નાયકની જેમ ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવી ભાજપે એક તીરે અનેક નિશાન સાધ્યા છે. ગોવિંદ ધોળકિયા અગ્રણી ઉદ્યોગપતિ છે તેની સાથે મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન છે તથા વર્ષોથી સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં ઠરી ઠામ થયેલા છે. ત્યારે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતનો કોમ્બિનેશન ગોવિંદ ધોળકિયાના સ્વરૂપે ભાજપે ઉમેદવારીમાં ઉતાર્યું છે. તેની સાથે જ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા તેમજ પુરુષોત્તમ રૂપાલાને જ્યારે રાજ્યસભામાંથી ડ્રોપ કરવામાં આવ્યા છે. ત્યારે ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના સાંસદ બનાવી પાટીદાર સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે.

કોણ છે ગોવિંદ ધોળકિયા

ગોવિંદ ધોળકિયા હીરાના પ્રતિષ્ઠિત વેપારી છે. નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ 4800 કરોડની નેટવર્થ છે. દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ થ.યો હતો. તો લોકો વચ્ચે કાકાના હુલામણા નામે ઓળખાય છે. 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી. શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા હતા. બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું. શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી રફ હીરાના વેપારી હીરાવાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો. પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું. વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા અને ત્યાર બાદ હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી.

જસવંતસિંહ પરમાર

સાથે જ ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં મધ્ય ગુજરાત અને તેમાં પણ આદિવાસી વિસ્તારને પણ પ્રભુત્વ આપ્યું છે. જોકે ત્યાંથી પસંદ કરાયેલા ઉમેદવાર પણ ઓબીસી સમુદાયથી આવે છે. જસવંતસિંહ પરમારની વાત કરીએ તો વ્યવસાયે ડોકટર છે. ઓબીસી ઘરાસિયા સમાજમાંથી આવે છે. પંચમહાલ જિલ્લામાંથી આવે છે, એટલે કે રાજ્યસભામાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પાર્ટીના જૂના કાર્યકર પરમાર પણ વર્ષ 2017માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. ભાજપે OBC સમુદાયમાંથી એક શિક્ષિત ચહેરાને રાજ્યસભામાં મોકલ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હવે ગુજરાત રાજ્યસભાના સાંસદ બનશે

આ તમામ સાથે રાષ્ટ્રિય નેતૃત્વ એટલે જે પી નડ્ડાને ગુજરાતમાંથી સ્થાન આપી ગુજરાતનું કદ દેશના નેતૃત્વમાં ફરી એક વાર વધાર્યું છે. મહત્વનું છે કે આ પહેલા અરુણ જેટલી જે દેશના નાણાં મંત્રી હતા તેઓ પણ ગુજરાત રાજ્યસભામાં સાંસદ હતા. વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ એક સમયે ગુજરાતના રાજ્ય સભાના સાંસદ રહી ચૂક્યા છે, તો વર્તમાન વિદેશ મંત્રી એસ જય શંકર પણ ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ છે.

અહીં એ બાબત પણ સમજવી જરૂરી છે કે, મનસુખ માંડવીયા તથા પરસોત્તમ રૂપાલા રાજ્ય સભાના સાંસદ બન્યા બાદ કેન્દ્રમાં મંત્રી બનવાયા હતા. ત્યારે નવી સરકારના જે પી નડ્ડાને મંત્રી મંડળના સ્થાન મળે તો પણ નવાઈ નહિ. ત્યારે એક નજર જે પી નડ્ડાના રાજકીય કરિયર પર કરીએ તો…

હિમાચલ પ્રદેશના જે.પી નડ્ડા ગુજરાત બેઠક પરથી સાંસદ બનશે. જે.પી નડા હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. નડ્ડા 1993, 1998 અને 2007ની ત્રણ ટર્મ હિમાચલ પ્રદેશના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સંસદીય બાબતોના મંત્રી હિમાચલ પ્રદેશ સરકાર 2008 અને 2010માં વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, હિમાચલ પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી રહ્યા. એપ્રિલ 2012માં રાજ્યસભા માટે ચૂંટાયા. 2014થી 2019 સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહ્યા. 2019માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. 2020માં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

g clip-path="url(#clip0_868_265)">