Rajkot News : સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ક્યાંય ખીલ્લી હલવાની નથી, CMની હાજરીમાં જયેશ રાદડિયાએ ભરી હુંકાર
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી. જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. રાદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી. જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જામકંડોરણા ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં જયેશ રાદડિયાએ વર્ષ દરમિયાન થયેલો નફો, થાપણ અને ધિરાણ સહિતની માહિતી આપી હતી. જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં નવી યોજનાઓને પણ ખુલ્લી મુકી હતી. રાદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો.
સહકારી વિભાગની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી: રાદડિયા
જયેશ રાદડિયાએ કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી હું સરકારી ક્ષેત્રનું માળખું સંભાળી રહ્યો છું. વર્ષ 2017માં જ્યારે વિઠ્ઠલભાઇનું નિધન થયું ત્યારે સહકારી માળખાનું શું થશે તે જિલ્લાભરના ખેડૂતો અને સભાસદોને પ્રશ્ન હતો, પરંતુ ગર્વ સાથે કહેવું પડે કે આ સહકારી માળખાને દેશની ઉંચાઇ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતા સાથે કામ કરી રહેલા ડિરેક્ટરોએ પણ મારા પર વિશ્વાસ મુકીને હંમેશા ખેડૂતના હિતમાં નિર્ણય કર્યા છે.
રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજાઇ હતી, જેમાં 85થી 90 ટકા મંડળીઓ બિનહરીફ થઇ હતી જે 10 ટકા મંડળીઓમાં કોઇ કારણોસર ચૂંટણી થઇ તેમાં આપણા જ ટેકેદારો વિજય થયા છે, રાદડિયાએ કહ્યું હતું કે નજીકના દિવસોમાં સાત આઠ મહિનામાં જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિતની સહકારી વિભાગની ચૂંટણી આવશે.
ખેડૂતોના વિકાસ માટે આગળ વધીશું: જયેશ
ઉમેર્યો હતું કે, હું આગેવાનોને વિશ્વાસ અપાવુ છું કે મોટાભાગની ચૂંટણી બિનહરીફ કરવાનો પ્રયત્ન કરીશ. વિરોધીઓને હુંકાર કરતા કહ્યું હતું કે ક્યાંય ખિલ્લી હલાવાની નથી. જે 10 ટકામાં કંઇ થશે તો આપણા જ લોકો ચૂંટાઇને આવશે. સહકારી માળખામાં ક્યાંય મુશ્કેલી છે જ નહિ અને જો આવશે તો તેને પહોંચી વળીશું. સહકારી માળખામાં હંમેશા રાજકારણથી દુર રહીને ખેડૂતોના વિકાસ માટે આગળ વધશું તેવી જયેશ રાદડિયાએ ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જિલ્લાની સહકારી વિભાગની કામગીરીને બિરદાવી હતી. ખેડૂતો માટે સહકારી ક્ષેત્રની કામગીરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકારીતા મંત્રી અમિત શાહની સહકારની પરિકલ્પનાને વેગવંતી હોવાનું જણાવ્યું હતું. ભુપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં અરવિંદભાઇ મણિયાર, વલ્લભભાઇ પટેલ, વિઠ્ઠલભાઇ રાદડિયાને યાદ કર્યા હતા અને જિલ્લા સહકારી બેંકને નાના લોકોની મોટી બેંક ગણાવી હતી.
આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ રામ મોકરિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરા સહિત રાજકોટ અને મોરબી જિલ્લાના ધારાસભ્યો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સોમનાથ ખાતે નવેમ્બર મહિનામાં યોજાશે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક