સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ આપશે રાજીનામું, નકલી ટોલનાકુ નડી ગયાની ચર્ચા, બેઠકમાં પસાર થઈ શકે છે ઠરાવ
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપશે તે ચર્ચાએ જોર પકડ્યુ છે. મોરબીના વાંકાનેરમાં ધમધમતા નક્લી ટોલનાકામાં જેરામ પટેલના પુત્રની સંડોવણી ખૂલતા તેમના પર રાજીનામાનું દબાણ હતુ. જો કે જેરામ પટેલના નજીકના વર્તુળો એવો તર્ક આપી રહ્યા છે તે સિદસરના બંધારણ મુજબ 75 વર્ષથી વધુ વયની વ્યક્તિ ટ્રસ્ટીમંડળમાં રહી શકે નહીં.
રાજ્યમાં કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના મોભી અને સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપવા જઇ રહ્યા છે. આગામી 6 જાન્યુઆરીના રોજ સિદસર ખાતે મળનાર સિદસર સંસ્થાની ટ્રસ્ટી મંડળની બેઠકમાં જેરામ પટેલ રાજીનામું આપી દેશે. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે સિદસર ટ્રસ્ટ દ્રારા આ અંગે એજન્ડા તૈયાર કરી દેવામાં આવ્યો છે અને વય મર્યાદાનું કારણ આગળ ધરીને જેરામ પટેલ રાજીનામું આપશે તેવો તખ્તો ગોઠવાયો છે.
જો કે અચાનક જ જેરામ પટેલના રાજીનામાની વાત સામે આવતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. જેરામ પટેલના પુત્રનું નામ વાંકાનેરના બોગસ ટોલનાકામાં સામે આવ્યા બાદ જેરામ પટેલ પર રાજીનામું આપવા માટે દબાણ હતું અને અચાનક જ રાજીનામાની વાત સામે આવતા હવે ચર્ચાઓ શરૂ થઇ છે.
75 વર્ષની વય મર્યાદા રાજીનામાનું કારણ
સિદસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે સિદસર ટ્રસ્ટમાં 75 વર્ષની વય મર્યાદાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. સિદસરના બંધારણ પ્રમાણે 75 વર્ષથી ઉપરની વયની વ્યક્તિ ટ્રસ્ટી મંડળ કે કોઇપણ હોદ્દા પર રહી શકે નહિ. જેથી જેરામ પટેલ સહિત ચાર જેટલા ટ્રસ્ટીઓની વય મર્યાદા 2024માં પુરી થાય છે ત્યારે વર્ષની પહેલી જ બેઠકમાં તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે. જો કે જેરામ પટેલની વય મર્યાદા જુન મહિનામાં પુરી થાય છે ત્યારે છ મહિના પહેલા રાજીનામું આપવાની ઉતાવળ શું તે પણ એક મોટો સવાલ છે.
જેરામ પટેલે વાતને અફવા ગણાવી
જેરામ પટેલના રાજીનામાની વાત સામે આવતા tv9 દ્રારા જેરામ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં આ વાતને અફવા ગણાવી હતી. જેરામ પટેલે દાવો કર્યો હતો કે હું સિદસર ટ્રસ્ટના પ્રમુખ પદે ચાલુ છું અને એવી કોઇ વાત નથી કે મારે રાજીનામું આપવું પડે. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ મારા સમર્થનમાં છે. કોઇ હિતશત્રુઓ દ્રારા આ પ્રકારની ખોટી અફવાઓ ચલાવવામાં આવી રહી છે.
જેરામ પટેલના રાજીનામાની થઇ હતી માગ
જેરામ પટેલના પુત્ર અંબરીશ પટેલ વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મોરબીના વાંકાનેર નજીક જે બોગસ ટોલનાકું ઉભું કરવામાં આવ્યું તે ટોલનાકામાં ઉપયોગમાં લેવાયેલી સિરામીક કંપની જેરામ પટેલના પુત્રની હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
જેરામ પટેલના પુત્રની સામે ફરિયાદ દાખલ થયા બાદ મનોજ પનારા સહિતના કડવા પાટીદાર સમાજના યુવાનોએ જેરામ પટેલના રાજીનામાંની માંગ કરી હતી અને નૈતિકતાના ધોરણે પદ પરથી દુર થઇ જવા કહ્યું હતું. એટલું જ નહિ રવિવારે રાજકોટ ખાતે પણ પાટીદારોની એક બેઠક મળનાર છે. જેમાં જેરામ પટેલના રાજીનામાંની માંગ થનાર હતી ત્યારે તે પહેલા જ રાજીનામાની વાતે સહુ કોઇને ચોંકાવી દીધા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો