RMCના આવાસમાં બુકિંગ ન થતા 24 લાખના આવાસ હવે માત્ર 18 લાખ રૂપિયામાં મળશે !
આ તરફ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાંધ્યુ હતું. વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે અગાઉ જ્યારે આ કામ પૂર્ણ થયું ત્યારે જ આવાસ યોજનાના ભાવમાં વધારો છે તેવી લેખિત રજૂઆત કરી હતી.
ગુજરાતીમાં એક કહેવત છે કે લાખના બાર હજાર કરવા, કંઇક આવું જ કર્યું છે રાજકોટ મહાનગરપાલિકાએ. રાજકોટના (Rajkot) મવડી વિસ્તારમાં આવેલી 3 બીએચકે સરકારી આવાસ યોજનામાં (Government Housing Scheme)ગ્રાહકો ન મળતા મનપાએ ભાવ ઘટાડવો પડ્યો છે. સત્તા પક્ષ પર પ્રહાર કરતા વિપક્ષે કહ્યું કે અમારી રજૂઆત ધ્યાને લીધી હોત તો તમામ ફલેટનું બુકિંગ થઇ ગયું હોત
બુકિંગ ન થતા ભાવમાં ઘટાડો કરાયો-સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકાએ એમઆઇજી યોજના હેઠળ મવડી વિસ્તારમાં 3 બીએચકે ફલેટ તૈયાર કર્યા હતા.આ ફલેટ 60 ચોરસ મીટર જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકા દ્વારા એક ફલેટનો ભાવ 24 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. મનપા દ્વારા તૈયાર કરાયેલા 1268 ફલેટમાં ત્રણ ત્રણ વખત ડ્રો કરવા છતા પણ માત્ર 293 જેટલા લોકોએ જ ફલેટ બુકિંગ કરાવ્યું. જ્યારે 950થી વધુ ફ્લેટ ખાલી રહ્યા હતા જેને લઇને મહાનગરપાલિકા દ્વારા આ ફ્લેટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો અને 24 લાખના ફ્લેટ 18 લાખ રૂપિયામાં વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે આવાસમાં લોકોને ભાવ વઘારે લાગતો હોવાથી આ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલું જ નહિ જે 293 લોકોએ બુકિંગ કરાવી લીધુ છે તેને પણ રૂપિયા પરત આપવામાં આવશે.
કોંગ્રેસનું માન્યું હોત તો સમયસર લોકોને ઘરનું ઘર મળત-વશરામ સાગઠિયા
આ તરફ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાંધ્યુ હતું. વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે અગાઉ જ્યારે આ કામ પૂર્ણ થયું ત્યારે જ આવાસ યોજનાના ભાવમાં વધારો છે તેવી લેખિત રજૂઆત કરી હતી. જોકે મનપાના શાસકોએ આ વાતને ઘ્યાને લીધી નહિ, જો ભાવ ઘટાડવાની કોંગ્રેસની દરખાસ્ત ત્યારે ધ્યાનમાં લેવાઇ હોત તો આજે અનેક ગરીબોને તેના સ્વપ્નનું ઘરનું ઘર મળી ગયું હોત.
ભાવ ઘટાડા પાછળ આ છે મુખ્ય કારણ
મહાનગરપાલિકાના શાસકો ભલે આ ફ્લેટ ન વેંચાતા હોવાથી ભાવ ઘટાડાનો દાવો કરી રહ્યા હોય. પરંતુ આ આવાસ યોજનાના ભાવની આકારણી માટે મહાનગરપાલિકાના ઇજનેર જવાબદાર છે. સામાન્ય રીતે 60 ચોરસ મીટર જગ્યામાં 2 બીએચકે ફલેટ તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ મનપાના ઇજનેરોએ 60 ચોરસ મીટર જગ્યામાં 3 બીએચકે બેસાડ્યા જેના કારણે આવાસમાં એક રૂમ તો વધ્યો. પરંતુ તેમાં જગ્યા ઓછી થઇ. આ ઉપરાંત 50 ચોરસમીટરના આવાસનો ભાવ 12 લાખ રૂપિયા રાખવામાં આવ્યો. જ્યારે તેનાથી માત્ર 10 ચોરસમીટરના આવાસનો ભાવ તેનાથી બમણો કઇ રીતે હોય શકે તે એક મોટો સવાલ છે. જેના કારણે લોકોએ આ આવાસ યોજનામાં રસ ન દાખવ્યો. પરિણામે ન છુટકે મનપાએ ભાવમાં ઘટાડો કરવો પડ્યો છે. જો મનપા દ્વારા પહેલાથી જ યોગ્ય આયોજન કરવામાં આવત તો આ પ્રોજેક્ટ સમયસર જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થયો હોત.
આ પણ વાંચો : જામનગર : ખેડૂત હિત રક્ષક સમિતી દ્વારા ફરી જમીન રીસર્વેના મુદ્દે આંદોલનના મંડાણ
આ પણ વાંચોઃ Ahmedabad: બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા, 31 સ્થળોએ તપાસ સહિતની કાર્યવાહી