Rajkot: રાજકોટ લોકસભા બેઠકને લઈને શરૂ થઈ ખેંચતાણ, લેઉવા અને કડવા પાટીદાર સમાજે નોંધાવી દાવેદારી
Rajkot: રાજકોટ લોકસભા બેઠકને લઈને સી. આર. પાટીલના નિવેદન બાદ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ સીટ માટે હાલ લેઉવા અને કડવા પાટીદાર સમાજે દાવેદારી નોંધાવી છે. રવિવારે એક કાર્યક્રમ દરમિયાન પાટીલે ઉદ્યોગપતિ મૌલેશ પટેલને જાહેરમંચ પરથી ટિકિટની ઓફર કરતા રાજકોટ જિલ્લા ભાજપમાં ગરમાવો આવી ગયો છે અને એવો ગણગણાટ શરૂ થઈ ગયો છે કે પાર્ટી મોહન કુંડારિયાને રિપીટ નહીં કરે અને કોઈ નવા ઉમેદવારને ટિકિટ આપી શકે છે. આ સીટ પર 2009થી કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યુ છે ત્યારે ભાજપ કોને ટિકિટ આપે છે તેને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો છે.
Rajkot: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે અત્યારથી જ ટિકિટને લઇને ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. રાજકોટની સીટ પર હાલના સાંસદ તરીકે મોહન કુંડારિયા છે જો કે બે દિવસ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉદ્યોગપતિ મૌલેશ પટેલને ઓફર કરતા રાજકારણ ગરમાયું છે. સી આર પાટીલના નિવેદન પરથી મોહન કુંડારિયાની ટિકીટ કપાઇ તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીથી ભાજપ આ સીટ પરથી કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપતી આવી છે. પરંતુ આ વખતે લેઉવા પાટીદાર સમાજે પોતાની દાવેદારી નોંધાવી છે.
નવા સીમાંકન બાદ આ સીટ કડવા પાટીદાર સમાજને ફાળે ગઈ
રાજકોટ સીટ પર છેલ્લી ત્રણ ટર્મને બાદ કરતા લેઉવા પાટીદાર સમાજને પ્રભુત્વ મળતું હતું પરંતુ નવા સીમાંકન બાદ આ સીટ કડવા પાટીદાર સમાજને અને પોરબંદરની સીટ લેઉવા પાટીદાર સમાજને ફાળે ગઇ છે. જો કે આ લોકસભાની ચૂંટણીમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્રારા આ સીટ ફરી લેઉવા પાટીદાર સમાજને ફાળે જાય તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. આ માટે સામાજિક અગ્રણીઓએ પ્રદેશ ભાજપ સુધી રજૂઆતો મોકલી છે, બીજી તરફ કડવા પાટીદાર સમાજ આ સીટને લઇને મક્કમ જોવા મળી રહ્યો છે.
રાજકોટ લોકસભા બેઠક પર ડો,કથિરીયા ચાર ટર્મ સાંસદ રહ્યા, 2009થી કડવા પાટીદારનું પ્રભુત્વ
રાજકોટ લોકસભા બેઠક પાટીદાર સમાજને ફાળે જાય છે પરંતુ લેઉવા પાટીદાર કે કડવા પાટીદાર કોને આપવી તે અંગે દર વર્ષે વિવાદ જોવા મળે છે. જો આ બેઠકના ઇતિહાસને જોઇએ તો શિવલાલ વેકરીયા અને ડૉ વલ્લભ કથિરીયા આ બેઠક પરથી સાંસદ બન્યા છે. જેઓ લેઉવા પાટીદારમાંથી આવે છે જ્યારે વર્ષ 2009માં સીમાંકન બદલાયા બાદ ભાજપે આ સીટ પરથી શિક્ષણવિદ કિરણ પટેલને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. જો કે આ ચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી અને કોંગ્રેસના કોળી ઉમેદવાર કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો. જે બાદ વર્ષ 2014 અને વર્ષ 2019માં મોહન કુંડારિયાને ટિકીટ આપવામાં આવી હતી અને કુંડારિયાનો વિજય થયો હતો ત્યારથી આ બેઠક પર કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે.
રાજકોટ જિલ્લાના સંગઠન અને હોદ્દામાં લેઉવા પટેલનો દબદબો !
રાજકોટ જિલ્લામાં તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે લેઉવા પાટીદાર સમાજને પ્રભુત્વ અપાયું છે જ્યારે વિવિધ કમિટીઓમાં પણ લેઉવા પટેલ સમાજને મહત્વ અપાયું છે આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતીના ચેરમેન પણ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. રાજકોટ જિલ્લા બેંક, રાજકોટ ડેરી અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે પણ લેઉવા પટેલ છે જેની સામે કડવા પાટીદાર સમાજ પાસે સાંસદના પદ સિવાય કોઇ મહત્વના હોદ્દા પર નથી જેના કારણે કડવા પાટીદાર સમાજને રિપીટ કરવા હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજ મતોની સામે રાજકોટ એકમાત્ર સીટ !
જેની સામે લેઉવા પાટીદાર સમાજને પોરબંદર અને અમરેલી સીટ પર પ્રભુત્વ આપવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જુસૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજની વસતી નિર્ણયક છે. જો કે તેની સામે રાજકોટ એકમાત્ર બેઠક પર કડવા પાટીદાર સમાજને પ્રભુત્વ આપવામાં આવે છે નાગઢ, જામનગર જિલ્લામાં કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. ત્યારે કડવા પાટીદાર સમાજને સૌરાષ્ટ્રમાં સાચવવા માટે આ બેઠક મહત્વની છે.
રાજકોટ જિલ્લાના સંભવિત નામો
રાજકોટ જિલ્લા લોકસભાની બેઠક માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારોમાં સંભવિત નામો છે જેમાં કડવા પાટીદાર સમાજમાંથી મોહન કુંડારિયા, બ્રિજેશ મેરજાના નામો ચર્ચામાં છે. આ ઉપરાંત સામાજિક આગેવાન નવા ચહેરા તરીકે આવી શકે છે. જેનો ઇશારો પ્રદેશ પ્રમુખ સી આાર પાટીલે પણ મૌલિશ પટેલનું નામ બોલીને આપી દીધો હતો. આ ઉપરાંત લેઉવા પાટીદાર સમાજનાં પસંદગી કરવામાં આવે તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ ચર્ચામાં છે. આ ઉપરાંત નવા ચહેરા તરીકે સામાજિક અગ્રણી પણ આવી શકે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો