Rajkot: સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકને મળ્યુ પ્રથમ સ્કીન ડોનેશન, 67 વર્ષિય મહિલાના અવસાન બાદ પરિવારે લીધો ઉમદા નિર્ણય
Rajkot: રાજ્યમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને લોકો હવે અંગદાન માટે આગળ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકને સૌપ્રથમ સ્કીન ડોનેશન મળ્યુ છે.

અંગદાન એ મહાદાન છે અને તેનાથી અન્ય પીડિત વ્યક્તિઓને નવજીવન આપી શકાય છે. રાજ્યમાં હવે અંગદાન અંગે જાગૃતિ આવી રહી છે, ત્યારે આંખ, લીવર, કિડની સહિતના અંગોની જેમ હવે સ્કીનનું દાન પણ થવા લાગ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત માર્ચ મહિનામાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં પ્રથમ સ્કીન ડોનેશન આવ્યું છે. આ ડોનેશનથી અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે.
“પીડિત દર્દીઓને નવજીવન મળે તેથી આ નિર્ણય લીધો”:પરિવાર
રાજકોટમાં રહેતા 67 વર્ષીય હર્ષાબેન તન્નાનું હાલમાં જ એચ.સી.જી. હોસ્પિટલ ખાતે હૃદયરોગથી અવસાન થયું હતું. આથી તેમના પુત્ર પરાગ તન્નાએ પોતાના માતાનાં ચક્ષુ તેમજ ત્વચાદાનનો નિર્ણય કર્યો હતો. પરાગ તન્ના પોતે રોટરી ક્લબ-રાજકોટના બોર્ડ મેમ્બર છે અને ચક્ષુદાન, ત્વચાદાન તેમજ અંગદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે મારા માતાનું અવસાન થયું ત્યારે, જે બની ગયું તેને ટાળી શકાય તેમ નહોતું. આથી તેમના અંગોથી અન્ય દર્દીઓને મદદરૂપ થઈ શકાય તે ભાવના સાથે સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્ક તેમજ આઈ બેન્કનો સંપર્ક કર્યો હતો અને આંખો તેમજ સ્કીન ડોનેશનનો નિર્ણય લીધો હતો.
મૃત્યુ થયાના 4 કલાકમાં મેળવી લેવી પડે છે સ્કીન
સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કની ટીમ તાત્કાલિક પહોંચી મૃત્યુ પામનાર હંસાબેનની સ્કીનનું હાર્વેસ્ટિંગ કરીને ડોનેશન તરીકે સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે, ડોનેશનમાં મેળવેલી સ્કીન વ્યક્તિના મૃત્યુ બાદ 4 કલાકના સમયગાળામાં મેળવી ગ્લિસરોલમાં 4 અંશ સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવાની હોય છે. આ સ્ટોર કરેલી સ્કીનનો ઉપયોગ 3 થી 4 વર્ષ સુધીમાં અને ગંભીર રીતે દાઝી ગયેલા કેસોના દર્દીઓ, ટ્રોમા દર્દીઓ તેમજ બાયોલોજિકલ ડ્રેસીંગ માટે ઉપયોગ કરી શકાય છે.
મૃતકના ઘરે જઈને સ્વીકારાય છે સ્કીન ડોનેશન
આ તકે સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે, અમારી નિષ્ણાત ટીમ ચક્ષુદાનની જેમ મૃતકના ઘરે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે 24×7 હેલ્પલાઈન મો. નંબર 7211102500 સક્રિય છે, જેના પર કોલ કરી શકાય છે. લોકો ત્વચા દાન માટે પ્રેરિત થાય તે માટે સૂત્ર “ત્વચા ઉપહાર-સર્વશ્રેષ્ઠ અને ઉમદા ઉપહાર” બનાવ્યું છે.
આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલમાં અધ્યતન સુવિધાથી સજ્જ નવો મેડિસિન વિભાગ શરૂ થશે
વધુ લોકો સ્કીન ડોનેશન તરફ વળે તેવી અપીલ:સિવિલ અધિક્ષક
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આપણી ત્વચા પણ શરીરનું એક અંગ છે અને અન્ય અંગોની જેમ તેનું પણ દાન કરી શકાય છે. બ્રેઇન ડેડ કે અન્ય મૃત્યુના કિસ્સા બાદ મૃતકના સગાઓ સ્કીન ડોનેશન માટે સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કનો સંપર્ક કરી શકે છે. સ્કીન ડોનેશન એક પૂણ્યનું કામ છે. તેનાથી અનેક લોકોની પીડા દૂર થશે અને અન્યોને નવજીવન આપી શકાય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…