રાજકોટ પોલીસની દાદાગીરી! પોલીસનું પત્રકારો સાથે ગેરવર્તન, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો ખેદ

આ સમગ્ર ઘટના મુખ્યમંત્રીના એક કાર્યક્રમમાં બની હોય આ મામલે મુખ્યમંત્રીને (CM Bhupendra Patel) પણ રજુઆત કરવામાં આવી. સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી તેમજ હવે પછી આવી ઘટના ન બને તેનુ ધ્યાન રાખવા પણ નિર્દેશો આપ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 5:56 PM

ક્યારેક તોડકાંડ તો ક્યારેક દારૂની હેરાફેરી જેવા વિવાદોથી ઘેરાયેલી રહેતી રાજકોટ પોલીસે (Rajkot Police) હવે પત્રકારો સાથે ગેરવર્તન કર્યુ છે. પત્રકારોનું ગળુ પકડ્યુ તેમજ પકડીને પોલીસવાનમાં બેસાડવામાં આવ્યા. આ સમગ્ર ઘટના મુખ્યમંત્રીના એક કાર્યક્રમમાં બની હતી અને આ મામલે મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામાં આવી. સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી તેમજ હવે પછી આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવા પણ નિર્દેશો આપ્યા. પરંતુ સમાજના ચોથા સ્તંભ ગણાતા પત્રકારો સાથે આ પ્રકારનું ગેરવર્તન કેટલું યોગ્ય ? તેમજ આ સમગ્ર ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવા અવાજો ઉઠી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટના પ્રથમ ફેઝના નિર્માણની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે કામગીરીની સમીક્ષા અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું કવરેજ કરવા મીડિયાકર્મીઓ ત્યાં પહોચ્યાં હતા. પરંતુ રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવિણકુમાર મીણા દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. કેમેરામેનનું ગળું દબાવવામાં આવ્યુ હતું. પત્રકારોની ગાડીની ચાવી લઈ લેવામાં આવી હતી. વાત આટલેથી જ અટકી ન હતી, અધિકારીએ પત્રકારોને પોલીસવાનમાં બેસાડીને અટકાયત કરી હતી. જો કે ઘટનાના ગંભીર પડઘા પડતા પાછળથી પત્રકારોને છોડી દેવામાં આવ્યા હતા. પત્રકારોએ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી પર એકઠાં થઈને વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ સાલસતાથી સમગ્ર ઘટનાક્રમ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો તેમજ આવી ઘટના બીજી વાર ન બને તેનું ધ્યાન રાખવા નિર્દેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસની છબી  તોડકાંડ, દારૂની હેરાફેરી જેવા વિવાદોથી ખરડાયેલી છે. ત્યારે હાલમાં રાજકોટમાં નવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની નિયુક્તિથી સૌ કોઈ રાજકોટ પોલીસની કામગીરીમાં સુધારાની આશા રાખી રહ્યા છે. નોંધનીય છે કે આ મામલે જોઈન્ટ સીપી દ્વારા ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">