Rajkot: પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવા માટે RMC ખાતે લાગી લાંબી લાઈનો, ધીમી કામગીરીથી લોકો પરેશાન
Rajkot: કેન્દ્ર સરકાર દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યુ છે. 31 માર્ચ સુધીમાં જો પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન કર્યુ હોય તો બેંકમાંથી 40 હજારથી વધુના ટ્રાન્જેક્શન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ નિયમને પગલે લોકો આધારકાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન કર્યું તો તમારું પાન કાર્ડ થઈ જશે નકામુ અને આ પાન કાર્ડ માન્ય નહિ ગણાય. આ કામગીરી ઓનલાઇન અને ઓફ્લાઈન થઈ રહી છે. જે લોકોને ઓનલાઇન ન ફાવે તે લોકો મહાનગર પાલિકા અથવા નગરપાલિકાની ઓફિસે જઈને લિંક કરાવી શકે છે.
RMC ખાતે લોકો કલાકો બેસી રહ્યા છે લાઈનમાં
31 તારીખ છેલ્લી હોવાથી જે અભણ અને મોટી ઉંમરના લોકો છે તેમને ઓનલાઇન કામગીરીની ફાવટ ન હોવાથી તેઓ ઓફલાઈન કામગીરી કરાવવા માટે RMC ઓફિસ ખાતે પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો RMC ખાતે લાઈનો લગાવી રહ્યા છે. 10.30 વાગ્યે કામગીરી શરૂ થવાનો સમય છે. જ્યારે વહેલો વારો લોકો સવારે 7 વાગ્યાથી અહીંયા આવીને બેસી રહ્યા છે. પરંતુ ક્યારેક સર્વર ઠપ્પ હોય છે તો ક્યારેક ધીમુ ચાલતું હોવાને કારણે મોડી કામગીરી થઇ રહી છે.
જેથી લોકોને કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડી રહ્યું છે.બીજી તરફ માત્ર 4 કાઉન્ટર પર કામગીરી થઈ રહી હોવાથી પણ વધુ સમય લાગી રહ્યો છે.
કેટલાક લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડમાં અલગ અલગ નામ હોવાથી પડે છે મુશ્કેલી
બીજી તરફ પાન અને આધાર લિંક કરાવવા આવતા કેટલાક લોકોના આધાર અને પાન કાર્ડમાં અલગ અલગ નામ અથવા અન્ય માહિતી હોવાથી પહેલા તે લોકોને બંને કાર્ડમાં સરખા નામ કરવાનું કહેવામાં આવે છે અને તેના માટે અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે જેથી લોકો આ ડોક્યુમેન્ટ્સ લઈને આવેલા ન હોવાથી તેમને ધક્કા થાય છે. લોકોમાં આ માહિતીના અભાવના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈને આવવા અપીલ
મનપાના ચૂંટણી શાખાના આસિસ્ટન્ટ મેનેજર નરેન્દ્ર આર્દેશણાએ લોકોને અપીલ કરી હતી કે જો લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ અથવા કોઈ માહિતી અલગ હોય તો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને આવે જેથી તેમને ધક્કા ન ખાવા પડે.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું આ કામગીરી માટે rmc ઓફિસ અને અન્ય વોર્ડ ઓફિસમાં મળીને 14 કિટ દ્વારા કામ ચાલુ રહ્યું છે. આવનારા સમયમાં આ કિટની સંખ્યા વધારવામાં આવશે જેથી આધારને લગતી કામગીરી ઝડપથી થઇ શકે અને લોકોને મુશ્કેલી ન પડે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…