Rajkot: ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ, મેંગો મિલ્કશેકમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કેસમાં વેપારીને કોર્ટે ફટકારી આકરી સજા
આ કેસ ચાલી જતાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ પુરાવા તથા રજૂઆતને ધ્યાન પર લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટે પટેલ રસના ભાગીદારો ટારજનપૂરી ગોસ્વામી અને સોમાંભાઈ ખૂંટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006ની કલમ -59 હેઠળ તકસીરવાન ઠરાવી એક - એક માસની કેદની સજા અને એક - એક લાખનો દંડ ફટકાર્યો છે.
Rajkot: હાલના ભેળસેળના(Adulteration) સમયમાં તૈયાર કંઈ વસ્તુ ભેળસેળ વગરની હશે તે કહેવું મુશ્કેલ છે.વેપારીઓએ એક તરફ તૈયાર ખાદ્ય વસ્તુઓના મસમોટા ભાવ વસૂલતા હોય છે અને વધુ નફો(Profit) કમાવવા માટે તેમાં ભેળસેળ પણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અચકાતા પણ નથી હોતા.જેની સામે રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ આવા તત્વો સામે દરોડા કરીને કાર્યવાહી પણ કરે છે.આવા જ ભેળસેળિયા વેપારીને મેંગો મિલ્ક શેકમાં કલરની ભેળસેળ કરવા બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્ટે આકરી સજા ફટકારી છે.
પટેલ રસના માલિકોને એક માસની જેલની સજા અને એક-એક લાખનો દંડ ફટકારાયો
RMCના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા 10 વર્ષ પહેલાં 6 જૂન 2013ના રોજ પોપટપરા મેઈન રોડ પર આવેલા ‘શ્રી પટેલ રસ’માથી મેંગો મિલ્ક શેઇકનો નમુનો લીધો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં આ નમૂનામાંથી પ્રતિબંધિત કલરની હાજરી મળી આવી હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો.
જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તેના નિયમાનુસાર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકા તરફથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની સજાનો હૂકમ
આ કેસ ચાલી જતાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ પુરાવા તથા રજૂઆતને ધ્યાન પર લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટે પટેલ રસના ભાગીદારો ટારજનપૂરી ગોસ્વામી અને સોમાંભાઈ ખૂંટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006ની કલમ -59 હેઠળ તકસીરવાન ઠરાવી એક – એક માસની કેદની સજા અને એક – એક લાખનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત પેઢીને 50 હજારની રકમ મનપાના વળતર રૂપે ચૂકવવાનો આદેશ કર્યો છે.અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની સજાનો હૂકમ પણ કર્યો છે. આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકા તરફે જાણીતા વકીલ ડી.આર.રાવલ કેસ લડી રહ્યા હતા.
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા વેપારીઓને ત્યાં તપાસ
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા આજે કરાયેલી કામગીરીની વાત કરીએ તો ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 12 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 વેપારીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી અને ભવનાથ એન્ટરપ્રાઇઝમાંથી શીતલ માવાબદામ આઇસ્ક્રીમ અને MR. CHEF RESTROમાથી દાલ ફ્રાયના નમુના લેવામાં આવ્યા હતા.