Rajkot: નિત્ય સ્વરૂપસ્વામી સહિત 3 સંતો વિરુદ્ધ એટ્રોસિટી અને રાયોટિંગની ફરિયાદ નોંધાઈ
ફરિયાદીએ રાજકોટની સ્પેશયલ એટ્રોસિટી કોર્ટમાં આ સંતો અને ટોળા સામે ફરિયાદ નોંધવા અરજી કરી હતી.જે કેસમાં કોર્ટે ફરિયાદીની દલીલો મંજૂર કરી આજીડેમ પોલીસને તાત્કાલિક FIR દાખલ કરીને 7 દિવસમાં કોર્ટને અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.
Rajkot : રાજકોટ જિલ્લાના સરધાર સ્વામિનારાયણ મંદિર(Sardhar Swaminarayan Temple) પાસેની જમીનના વિવાદમાં દોઢ વર્ષ પહેલાં 2021માં ફળ ફૂલના બગીચાની તોડફોડ અને રાયોટિંગની ઘટનામાં સરધાર મંદિરના નિત્યસ્વરૂપ સ્વામી સહિત 3 સંતો અને અન્ય લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવાની અરજી મુદ્દે કોર્ટે આજીડેમ પોલીસને એટ્રોસીટી,રાયોટિંગની ફરિયાદ નોંધવાનો આદેશ કરતા અંતે નિત્યસ્વરૂપ સ્વામી સહિતના લોકો સામે આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી છે.
નિત્યસ્વરૂપ સ્વામી 6 જુલાઈએ 3 મહિના માટે વિદેશ જાય તે પહેલાં થશે ધરપકડ કે મળશે મોકળુ મેદાન?
આ કેસમાં પહેલા જ આજીડેમ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કોર્ટે આદેશ કર્યા આજીડેમ પોલીસે આખરે ફરિયાદ દાખલ કરી છે.આ ઉપરાંત અન્ય મહત્વની વાત કરીએ તો નિત્યસ્વરૂપ સ્વામી થોડા દિવસો પછી જ 6 જુલાઈથી દુબઈ,લંડન,કેનેડા અને અમેરિકામાં સત્સંગ માટે જવાના છે.
6 અને 7 જુલાઈ દુબઈ,9 થી 15 જુલાઈ લંડન,16 થી 31 કેનેડા અને 1 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં અલગ અલગ શહેરોમાં સત્સંગના આયોજનો છે.હવે જોવાનું એ રહેશે પોલીસ નિત્યસ્વરૂપ સ્વામીની ધરપકડ કરે છે કે પછી તેઓ વિદેશ જઈને ઓછામાં ઓછાં 3 મહિના સુધી ધરપકડથી બચી જાય છે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલાને વિગતે જોઈએ ફરિયાદી બિપીનભાઈ મકવાણાની ફરિયાદ મુજબ દોઢ વર્ષ પહેલાં ડિસેમ્બર 2021માં સરધાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી જમીનમાં નિત્યસ્વરૂપ સ્વામી, બાલમુકુંદ સ્વામી,પતિત પાવન સ્વામીની આગેવાનીમાં આશરે 100થી વધુ લોકોએ જેસીબી, રોટાવેટર અને ટ્રેકટર જેવા સાધનો વડે ફળફૂલના ઝાડ બગીચા અને જગ્યા પર આવેલુ ફરિયાદીનું બુદ્ધ વિહાર નામનું મકાન તોડી નાખ્યું હતું.
આ અંગે ફરિયાદીએ આજીડેમ પોલીસમાં ફરિયાદ આપી હતું પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહોતી.જેથી ફરિયાદીએ રાજકોટની સ્પેશયલ એટ્રોસિટી કોર્ટમાં આ સંતો અને ટોળા સામે ફરિયાદ નોંધવા અરજી કરી હતી.જે કેસમાં કોર્ટે ફરિયાદીની દલીલો મંજૂર કરી આજીડેમ પોલીસને તાત્કાલિક FIR દાખલ કરીને 7 દિવસમાં કોર્ટને અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો