AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ભાજપમાં ફરી સામે આવ્યો આંતરિક જૂથવાદ, ચાલુ કાર્યક્રમે સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે શાબ્દિક ટપાટપી, ઘટનાનો રેલો ગાંધીનગર સુધી

રાજકોટ ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વિકસીત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને સાંસદ રામ મોકરિયા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. વાત આટલેથી ન અટક્તા સાંસદે તો ત્યાં સુધી કહી દીધુ કે RMCમાં તો ભ્રષ્ટાચાર ચાલે છે તમે કરો છો શુ? જો કે આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 30, 2023 | 5:13 PM
Share

રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ ચરમસીમા પર છે. મંગળવારે રાજકોટના વોર્ડ નંબર 3માં યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. કાર્યક્રમના આમંત્રણ આપવાથી શરૂ થયેલો આ વિવાદ ભ્રષ્ટ્રાચારના મુદ્દા સુધી પહોંચી ગયો હતો.

કાર્યક્રમ સ્થળે આવેલા રામ મોકરિયાએ સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું હતું કે મહાનગરપાલિકાના કાર્યક્રમનું આમંત્રણ મનપાના પદાધિકારીઓના બદલે કર્મચારી દ્રારા આપવામાં આવે છે. જેના જવાબમાં સ્ટેન્ડિંગ ચેરમેને સાંસદને પ્રોટોકોલ સમજાવ્યો હતો. જેના કારણે રામ મોકરિયા રોષે ભરાયા હતા અને સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું હતું કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટ્રાચાર ચાલે છે. તમે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ઉપાધ્યાક્ષ ભરત બોઘરા શું કરો છો તે હું સારી રીતે જાણું છું.

જેના જવાબમાં સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું હતું કે તમે સાંસદ છો ખોટી વાતો ન કરો પુરાવા આપો. આ બધાની વચ્ચે કાર્યક્રમના અધ્યક્ષ રાઘવજી પટેલે મઘ્યસ્થી કરી હતી અને આ કાર્યક્રમ મનપાનો છે બીજી કોઇ વાત ન કરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો. રાજકોટમાં સામે આવેલા આ જુથવાદનો મુદ્દો ગાંધીનગર સુધી પહોચ્યો હતો.

આમંત્રણને લઇને સાંસદે સૂચન કર્યું છે,કોઇ જુથવાદ નથી- જયમીન ઠાકર

રાજકોટ ભાજપમાં ડખો થતાં ફરી રાજકીય ગરમાવો આવ્યો છે. વિવાદ વકરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે વિવાદ પર ઠંડુ પાણી રેડવાની કોશિષ કરી. ઘટના અંગે જયમીન ઠાકરે જણાવ્યું કે સાંસદ રામ મોકરિયાએ ફક્ત મનપાના કાર્યક્રમના આમંત્રણને લઇને જ વાત કરી હતી. કાર્યક્રમનું આમંત્રણ અધિકારી દ્વારા અપાતું હોવાથી રામ મોકરિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. હવેથી મનપાના કાર્યક્રમની માહિતી હું પોતે જ તેમને આપીશ. ભ્રષ્ટાચાર કે બીજા અન્ય કોઇ મુદ્દે વિવાદ ન હોવાનું જયમીન ઠાકરે જણાવ્યું…

આ પ્રથમ વખત નથી કે રાજકોટ ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો હોય. આ અગાઉ અનેક વખત રાજકોટ ભાજપમાં કવિતાકાંડથી લઇને પત્રિકાકાંડ સુધીના વિવાદ સામે આવ્યા છે.

1.કવિતાકાંડ

મહાનગરપાલિકા શિક્ષણ સમિતીની વરણી કરવામાં આવી ત્યારે એક કવિતા સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી જેમાં ભાજપમાં હાલમાં સાચા અને સનિષ્ઠ કાર્યકરો પદ મુજબ વેતરાતા હોવાનો આક્ષેપ કર્યો હતો.આ કવિતા સામાકાંઠા વિસ્તારમાંથી લખાઇ હોવાની શક્યતા હતી અને ધારાસભ્યના અંગતને પદ આપ્યું હોવાની લાગણી ઉઠી હતી.

2.ભાજપમાં પત્રિકા કાંડ

કવિતાકાંડને હજુ સમય વિત્યો ન હતો ત્યાં સોશિયલ મિડીયામાં એક પત્રિકા વાયરલ થઇ હતી જેમાં અસંતુષ્ટ કોર્પોરેટરે પોતાની વેદના વ્યક્ત કરી હતી અને સાચા અને મહેનતું કાર્યકર્તાને બદલે ચાપલુશી કરતા અને મોટા નેતાઓની આગળ પાછળ ફરતાં લોકોને સ્થાન આપવામાં આવતું હોવાની વેદના વ્યક્ત કરી હતી.

3.કમલમમાં ગેરરિતી થઇ હોવાનો આક્ષેપ

ભાજપમાં આંતરિક જુથવાદના લબકારા જોવા મળી રહ્યા છે ત્યાં જ રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં તૈયાર થયેલા કમલમ કાર્યલયમાં ગેરરિતી થઇ હોવાનો અગાઉના હોદ્દેદારો પર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

4.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયો હતો.કુલપતિ તરીકે ગિરીશ ભિમાણીએ વિજય રૂપાણી જુથના તમામ સિન્ડિકેટ સભ્યોની હકાલપટ્ટી કરી દીધી હતી.જો કે ત્યારબાદ રૂપાણી જુથના સિન્ડિકેટ સભ્યોએ ગિરીશ ભિમાણી વિરુદ્ધ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી હતી જેના કારણે તેને પણ રાજીનામૂં આપી દેવું પડ્યું હતું.

આ પણ વાંચો: જુગારધામ પર રાજકોટ પોલીસની તવાઇ, 2 દિવસમાં હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા અને 50 જુગારી ઝડપાયા, જુઓ વીડિયો

5.રાજકોટ લોધિકા સંઘમાં વિવાદ

સહકારી સંસ્થા રાજકોટ-લોધિકા સંઘમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનો વિવાદ સામે આવ્યો હતો.ચેરમેન અને વાઇસ ચેરમેન પદની વરણીમાં નરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં વર્તમાન ધારાસભ્ય ઉદય કાનગડ આવ્યા હતા જેની સામે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ચેરમેન બનવા માંગતા હતા જો કે આ મામલે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સુધી રજૂઆતો પહોંચી હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">