Rajkot: રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેની કામગીરી ગોકળ ગતિએ, કોન્ટ્રાક્ટ કંપનીએ સરકાર પાસે કરી ભાવ વધારાની માગ
વર્ષ 2018માં રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવેનું કામ ગુજરાત સરકાર દ્રારા સોંપવામાં આવ્યુ હતું. અને વર્ષ 2020માં આ કામગીરી પૂર્ણ કરવાની હતી. પરંતુ વર્ષ 2023 અડધો પૂરો થવા છતા પણ હજું આ કામગીરી પૂર્ણ થઇ નથી. કોન્ટ્રાક્ટ કંપનીએ સરકાર પાસે રજૂઆત કરી હતી.
Rajkot: વર્ષ 2018માં રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવેનું કામ ગુજરાત સરકાર દ્રારા સોંપવામાં આવ્યુ હતું અને વર્ષ 2020માં આ કામગીરી પૂર્ણ કરવાની હતી. પરંતુ વર્ષ 2023 અડધો પૂરો થવા છતા પણ હજું આ કામગીરી પૂર્ણ થઈ નથી. કોન્ટ્રાક્ટ કંપનીએ સરકાર પાસે રજૂઆત કરી હતી કે જ્યારે આ કામગીરી સોંપાઈ ત્યારબાદ મટિરીયલ્સના ભાવમાં ખૂબ મોટો વધારો થયો હતો. જેથી ગુજરાત સરકાર સમક્ષ હાઈવેના કામમાં ભાવવધારાની માંગ કરી હતી.
ટીવીનાઇનના સૂત્રોના કહેવા પ્રમાણે રાજકોટ અમદાવાદ હાઇવેના કામ માટે કોન્ટ્રાક્ટક કંપનીએ ભાવ વધારો માંગ્યો છે. જે અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. જેના કારણે આ સિક્સલેનનું કામ વિલંબમાં પડ્યું છે.
30 જૂન હતી છેલ્લી મુદ્દત
આ સિક્સલેન હાઇ વેની કામગીરીને લઇને રાજકોટના ધારાસભ્યોએ પણ રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્રારા આખરી મુદ્દત 30 જૂન રાખવામાં આવી હતી. જો કે મુદ્દત પણ પૂર્ણ થઇ ગઇ છે. હાલમાં લીમડીથી અમદાવાદ સુધીનું કામ પ્રગતિમાં છે. તો આ તરફ રાજકોટ લીમડી સુધીનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. હાલની સ્થિતિ જોતા આ કામગીરીને પૂર્ણ થતા હજુ 1 વર્ષનો સમય લાગે તેવુ લાગી રહ્યુ છે.
201 કિલોમીટર હાઇ વે 22 બ્રિજ તૈયાર થશે
રાજ્ય સરકાર દ્રારા આ કોન્ટ્રાક્ટ 3488 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 201 કિલોમીટરનો સિક્સલેન હાઇ વે તૈયાર થશે. આ હાઇ વેમા કુલ 22 જેટલા બ્રિજ તૈયાર કરવામાં આવશે. હાલમાં આ બ્રિજનું કામ ગતિમાં છે, જો કે તેના સર્વિસ રોડના કારણે ભારે હાલાકી પડી રહી છે. અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોને હાલાકી
ધીમી ગતિએ ચાલી રહેલા સિક્સલેનના કામના કારણે અનેક લોકો પરેશાન છે. તો સૌરાષ્ટ્ર ઓઇલ સિડ્સ એસોસિએશનના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સમીર શાહે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને સિક્સલેન હાઇવેના કામથી ભારે હાલાકી પડતી હોવાનું કહ્યું હતું અને આ કામગીરી ઝડપથી પુરી કરવા કહ્યું હતું.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો