Rajkot : લ્યો બોલો, લાખો રૂપિયાનો પગાર ધરાવતા કાર્યકારી કુલપતિએ વિદ્યાર્થીઓના રૂપિયાથી લીધો એપલનો ફોન !
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અમિત પારેખે આ અંગે કોઇ સ્પષ્ટ વાત ન કરીને કુલપતિનો બચાવ કર્યો હતો.એનએસયુઆઇના કાર્યકરોને રજીસ્ટ્રારે કહ્યું હતું કે કુલપતિ બહારગામ હોવાથી આપની જે લાગણી છે તે હું પહોંચાડી દઇશ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) કુલપતિ અને ઉપકુલપતિ ભલે બદલાય ગયા હોય. પરંતુ નવા કાર્યકારી કુલપતિ પણ વિદ્યાર્થીઓના રૂપિયાનું આંધણ કરવામાં પૂર્વ કુલપતિ-ઉપકુલપતિને અનુસરતા હોય તેવું લાગી રહ્યું છે.આમ તો કાર્યકારી કુલપતિ ડૉ.ગિરીશ ભિમાણીનો લાખો રૂપિયા પગાર છે. પરંતુ કુલપતિ (Chancellor)તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગિરીશ ભિમાણીએ વિદ્યાર્થીઓના રૂપિયાથી આઇફોન (IPhone)લેવાની દરખાસ્ત મુકી દીધી. 1 લાખ 19 હજાર રૂપિયાના ખર્ચે યુનિવર્સિટી દ્વારા કુલપતિ માટે એપલના મોબાઇલ ફોનની ખરીદી માટે ફાયનાન્સ બોર્ડની બેઠકમાં દરખાસ્ત મુકવામાં આવી છે અને તેને મંજૂરી મળે તે પહેલા જ તેની ખરીદી પણ કરી દેવામાં આવી.
NSUIએ કુલપતિના મોબાઇલ માટે ભીખ માંગી !
વિધાર્થીઓના રૂપિયાથી મોબાઇલ ફોન ખરીદી કરવાની દરખાસ્તનો કોંગ્રેસની વિધાર્થી પાંખ એનએસયુઆઇએ વિરોધ કર્યો હતો. એનએસયુઆઇના કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ભીખ માંગી હતી અને ભીખમાં આવેલું પરચુરણ રજીસ્ટ્રારની ચેમ્બરમાં આપીને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.એનએસયુઆઇના ઉપપ્રમુખ મોનિલ ડવે વિરોધ કરતા કહ્યું હતું કે વિધાર્થીઓના રૂપિયાથી આ બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે,વિધાર્થીઓના રૂપિયા વિધાર્થીઓના હિતમાં વપરાવા જોઇએ.જો કુલપતિ પાસે રૂપિયા ન હોય તો એનએસયુઆઇ તેના માટે ભીખ માંગીને તેનો ફોન અપાવશે પરંતુ આ ખર્ચ ન થવો જોઇએ.
કુલપતિ સાહેબ બહાર છે,આપની લાગણી પહોંચાડી દઇશ-રજીસ્ટ્રાર
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અમિત પારેખે આ અંગે કોઇ સ્પષ્ટ વાત ન કરીને કુલપતિનો બચાવ કર્યો હતો.એનએસયુઆઇના કાર્યકરોને રજીસ્ટ્રારે કહ્યું હતું કે કુલપતિ બહારગામ હોવાથી આપની જે લાગણી છે તે હું પહોંચાડી દઇશ.સાથે સાથે ફોન અંગેના ખર્ચની દરખાસ્ત પર કહ્યું હતું કે કોઇપણ ખરીદી પહેલા ફાયનાન્સ કમિટીને દરખાસ્ત મોકલવામાં આવે છે અને તેના આધારે ખરીદી થાય છે,જેથી આ ખરીદી અંગેની પણ દરખાસ્ત મોકલવામાં આવી છે.
આ પણ વાંચો : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય-પ્રવક્તા-કાર્યકરો સહિત AAPના હોદ્દેદારો-સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા