રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય માટે આધુનિક સુવિધાઓ આપવાના દાવાઓ કરવામાં આવે છે અને હજારો કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે. વર્ષ 2023-24 ના બજેટમાં રાજ્ય સરકારે 15 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ અનેક સરકારી હોસ્પિટલોમાં અત્યાધુનિક મશીનોનો કાં તો અભાવ જોવા મળે છે અને જે હોય છે તે ઉપયોગમાં લઈ શકાય તેવા નથી હોતા.
જ્યારે બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને દાતા દ્વરા અત્યાધુનિક મશીનનું દાન મળ્યુ છે. અત્યાધુનીક ક્રાયોફયુજ મશીનનું દાતા દ્વારા દાન કરવામાં આવ્યું છે.આ મશીનની કિંમત 38 લાખ રૂપિયા છે.આ કિંમત આરોગ્ય વિભાગના બજેટની સામે ખૂબ જ નાની છે.છતાં અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ નહોતું અને આખરે કોઈ દાતા દ્વારા આ મશીન સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું છે.
આ મશીન થેલેસેમિયા, હિમોફીલિયા, ડેન્ગ્યુ, ન્યુરો, પ્રસુતા મહિલાઓ સહિતના દર્દીઓને ખૂબ જ ઉપયોગી છે. થેલેસેમિયાગ્રસ્ત લોકોને LR લોહી ચડાવવાનું હોય છે.જે આ અત્યાધુનિક મશીન દ્વારા થાય છે. થેલેસેમિયાગ્રસ્ત લોકોને LR લોહી ન ચડાવવામાં આવે તો રીએકશન પણ આવી શકે છે. પરંતુ અત્યારસુધી સિવિલમાં આ જરૂરી મશીન હતું જ નહિ.જે આખરે દાતા દ્વારા દાન કરવામાં આવ્યું છે.
લોકાર્પણ પ્રસંગે રામભાઈ મોકરીયાએ દાતા હાઈકોન ટેકરો કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના કિરણભાઈ વાછાણીનો આભાર માની જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આધુનિક મશીન આવતા જરૂરતમંદ દર્દીઓની સુવિધામાં અચૂક વધારો થશે તેમજ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે મશીન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ક્રાયોફયુજ સેન્ટ્રીફ્યુઝ મશીન એક સાથે 16 બોટલ રક્તને અલગ અલગ ત્રણ ઘટકોમાં વિભાજિત કરી શકે છે.
જે થેલેસેમિયા ,હિમોફીલિયા, ડેન્ગ્યુ, ન્યુરો, પ્રસ્તુતા મહિલાઓ સહિતના દર્દીઓને ખૂબ જ મદદરૂપ પુરવાર થશે. વધુમાં આ મશીન ઇકો ફ્રેન્ડલી છે તેમજ મેનપાવરની પણ બચત થશે. મશીનની ઉપયોગીતા વિશે સમજાવતા ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે જર્મન બનાવટનું થર્મોફિશર સાયન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે.
સિંગલ ફેઝ આધારિત ઓછી વીજ ખપત સાથે 30% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોય અત્યાધુનિક હોસ્પિટલસ તેમજ લેબમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી 2200 જેટલી રક્ત બોટલ જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવે છે ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂરિયાતને પહોંચી શકાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…