Rajkot: 8 વર્ષની બાળકી પર ત્રણ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ અને પછી પથ્થરથી માથુ છુંદી નાખ્યુ
Rajkot: રાજકોટમાં 8 વર્ષની બાળકીના અપહરણ અને હત્યા કેસમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.બાળકીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા કરનાર ત્રણેય શખ્સો બાળકીના પાડોશી જ હતા.

Rajkot: એવું કહેવાય છે કે પહેલો સગો તે પાડોશી પરંતુ રાજકોટમાં પાડોશી સાથેના સબંધોને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ભક્તિનગર રેલવે યાર્ડ વિસ્તારમાંથી ગત 7 તારીખના રોજ બપોરના સમયે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. 8 વર્ષની બાળકીની જે લાશ મળી તે એ જ બાળકી હોવાનું સામે આવ્યું જેનું 6 તારીખના રોજ તેના ઘર પાસેથી અપહરણ થઇ ગયું હતું.
અપહ્યત બાળકીની હત્યા કરાયેલી લાશ મળી
એક તરફ પોલીસ અપહરણની તપાસ કરી રહી હતી દરમિયાન એ જ બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતા રાજકોટ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને પોલીસ કમિશનર સહિતના રાજકોટની અલગ અલગ પોલીસે તપાસ શરૂ કરી. પોલીસને એક સીસીટીવી ફુટેજ મળ્યા જેમાં આ બાળકી એક શખ્સ સાથે જતી હોવાનું સામે આવ્યું. પોલીસની તપાસમાં આ શખ્સ બાળકીના પાડોશમાં રહેતો મિતલેશ નામનો શખ્સ હોવાનું સામે આવ્યું.
પડોશમાં રહેતો શખ્સ જ ફોસલાવી બાળકીને લઈ ગયો
પોલીસે બાતમીદારોના નેટવર્કના આધારે વિરમગામથી શંકાસ્પદ હાલતમાં મિતલેશને પકડી પાડ્યો હતો. શરૂઆતમાં મિથીલેશ આ બાળકી તેના માતાને સોંપીને પોતે બહાર નીકળી ગયો હોવાની કબૂલાત આપી હતી પરંતુ જ્યારે પોલીસે આકરી પુછપરછ કરી તો મિથીલેશ ભાંગી પડ્યો અને પોતે તેના બે સાગરીત ભરત અને અમરેશ સાથે મળીને આ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે મિતલેશકુમાર કાણીયો દાસ, ભરત મીણા અમરેશ ઉર્ફે બ્રિજેશ કુલદિપની ધરપકડ કરી અપહરણ,ગેંગરેપ અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કઇ રીતે ઘડ્યું ષડયંત્ર ?
પોલીસના કહેવા પ્રમાણે મરનાર બાળકી અને આરોપીઓ એકબીજાના પાડોશી છે અને એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર હતો. મિતલેશ અને ભરત બંન્ને એક જ કારખાનામાં કામ કરતા હોવાથી તેઓની નજર આ બાળકી પર બગડી હતી અને તેના પર દુષ્કર્મ ગુજારવાનું ષડયંત્ર રચ્યું જેમાં અન્ય એક શખ્સ અમરેશ ઉર્ફે બ્રિજેશ પણ જોડાયો. આ શખ્સોએ શુક્રવારે નશો કરેલી હાલતમાં આ બાળકીને હવસનો શિકાર બનાવવાનો પ્લાન બનાવ્યો.
બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરી, પથ્થર મારી કરી નાખી હત્યા
પ્લાન મુજબ શુક્રવારે રાત્રીના સમયે બાળકી તેના ઘર પાસે એકલી રમી રહી હતી ત્યારે મીતલેશ તેની એકલતાનો લાભ લઇને તેને લાલચ આપી ફોસલાવીને તેને ભક્તિનગર રેલવે યાર્ડની જગ્યામાં લઇ ગયો જ્યાં પહેલાથી જ ભરત અને અમરેશ હાજર હતા.ત્રણેયે આ બાળકી પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું.જો કે પોતે ભોગ બનનાર બાળકીને પરિચિતમાં છે જેથી આ બાળકી તેના પરિવારને જાણ કરી દેશે તેવો ડર લાગતા ત્યાં રહેલા પથ્થર વડે માથું છુંદીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સીસીટીવીના આધારે આરોપીની થઈ ઓળખ
પોલીસના કહેવા પ્રમાણે ત્રણેય આરોપી હત્યા કર્યા બાદ પોતાના ઘરે પહોંચી ગયા હતા અને સવાર સુધી રાજકોટમાં જ રહ્યા હતા પરંતુ આ બાળકીની લાશ મળી અને પોલીસની ચહલ પહલ શરૂ થતા તેઓ ફરાર થઇ ગયા હતા.આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.આરોપીઓ વિરુદ્ધ કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે અને અપહરણ અને હત્યા કેસમાં ગેંગરેપની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઘટના એવા લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ પોતાના બાળકને અજાણ્યા વ્યક્તિઓને વિશ્વાસે મોકલી દેતા હોય છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો