રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પરષોતમ રૂપાલાનું નામ જાહેર થયું છે. પરશોતમ રૂપાલા હાલમાં કેન્દ્ર સરકારના મંત્રી છે અને કડવા પાટીદાર અગ્રણી છે. રૂપાલાનું મૂળ વતન તો અમરેલી છે પરંતુ ભાજપે સિનિયર આગેવાનને ભાજપ માટે મજબૂત ગણાતી રાજકોટ લોકસભા સીટ પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે રૂપાલા પણ ચૂંટણી મોડમાં આવી ગયા છે. આજે રૂપાલાએ રાજકોટમાં જનસંઘ અને ભાજપના પીઢ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા પરશોતમ રૂપાલા તમામ પીઢ નેતાઓ અને તેના પરિવારોને મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોઇ જુથવાદ ન રહે અને બધા એક બનીને સાથે રહે તેવા પ્રયત્નો કરતા રૂપાલા જોવા મળી રહ્યા છે.
રાજકોટના જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી,ભાજપના પાયાના પથ્થર એવા સ્વ.અરવિંદભાઇ મણિયાર પરિવાર સાથે પરશોત્તમ રૂપાલાએ મુલાકાત કરી હતી. રૂપાલાએ આજે સ્વ.અરવિંદભાઇ રૈયાણીના નિવાસસ્થાને પહોંચીને પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ચૂંટણી માટે આર્શિવાદ લીધા હતા. રાજકોટમાં મણિયાર પરિવાર જનસંઘના પાયાના પથ્થર સમાન છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પણ મણિયાર પરિવારનો ઘરોબો રહેલો છે. જેના કારણે જ મણિયાર પરિવાર સાથે રૂપાલાએ મુલાકાત કરીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. પરશોત્તમ રુપાલા આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેના નિવાસસ્થાને મળ્યા હતા. રૂપાલા રાજકોટ ખાતેના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
પરષોતમ રુપાલાને ટિકીટ મળ્યા બાદ તેઓ પ્રથમ વખત રાજકોટ આવ્યા ત્યારે તેઓએ વજુભાઇ વાળા સાથે પણ મુલાકાત કરી હતી અને વજુભાઇ વાળા સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા. રૂપાલાએ કહ્યું હતું કે હું એક કાર્યકર્તા તરીકે અમારા નેતા વજુભાઇ વાળાના આર્શિવાદ લેવા માટે આવ્યો છું. આમ પરશોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપના પીઢ નેતાઓ સાથે મળીને લોકસભાની ચૂંટણીના આર્શિવાદ મેળવી રહ્યા છે.
પરષોતમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકીટ મળતાની સાથે જ ભાજપમાં જાણે કે છેલ્લા થોડા વર્ષોથી ચાલતું કોલ્ડવોર સમાપ્ત થઇ ગયું હોય તેવી ઘટના જોવા મળી હતી. રૂપાલાના સ્વાગત માટે અંજલીબેન રૂપાણી,નિતીન ભારદ્રાજ,ધનસુખ ભંડેરી,કમલેશ મિરાણી સહિતના ચહેરાઓ જાહેર કાર્યક્રમોમાં સક્રિય રીતે જોવા મળ્યા હતા. આ સીટ પર ભરત બોધરાના નામની ચર્ચાઓએ ચાલી રહી હતી જેના કારણે રૂપાણી જુથ આ વાતથી સહમત ન હતું. જો કે પાર્ટી હાઇકમાન્ડ઼ે રૂપાલાને મેદાને ઉતારતા રૂપાણી જુથ રાજી થયું છે અને તેઓ ફરી મેદાને જોવા મળ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો