શું તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો, તો ચેતી જજો, રાજકોટમાં ઓનલાઇન મગાવેલી વસ્તુ ખાતા વ્યક્તિના હાલ થયા બેહાલ, જુઓ Video
જો તમે ઓનલાઈન ફૂડ મંગાવો છો, તો જરા ધ્યાન રાખજો કારણ કે, તમને જે વાનગી આવી છે, તેની એક્સપાયરી ડેટ જોવાનું ચૂકતા નહીં. રાજકોટમાં એક વ્યક્તિને આવી જ રીતે એક્સપાયર થયેલી છાશ પીવાનો વારો આવ્યો અને પછી બગડી ગઈ તબિયત, વાચો સમગ્ર અહેવાલ
બદલાયેલી લાઇફ સ્ટાઇલના કારણે ઓનલાઇન ફૂડ મગાવવાનું ચલણ વધ્યું છે, દેશભરમાં ખાસ કરીને મોટા શહેરોમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ખૂબ વધ્યું છે. કારણ કે 24 કલાક કોઈ પણ સમયે ઘર બેઠા ફૂડ ડિલિવર થઈ જતું હોવાથી લોકો મોટા પ્રમાણમાં ઝોમેટો અને સ્વિગી જેવી એપનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક ઓનલાઈન મગાવેલું ફૂડ જોખમી પણ સાબિત થતું હોય છે.
અનેક વખત આવા બનાવો સામે પણ આવતા રહે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો છે, જેમાં ઝોમેટોમાંથી મગાવેલા ફૂડમાં વાસી છાશ ને કારણે એક વ્યક્તિની તબીયત બગડી હોવાનાં આક્ષેપ કરાયા છે. અને ભોગ બનનાર વ્યક્તિએ રિફંડ સ્વીકારવાની બદલે ઝોમેટો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લીધી છે.
છાશ પીતા જ ઊલટીઓ થઈ શરૂ
ઝોમેટો દ્વારા કરાયેલી ડિલિવરીમાં આ બેદરકારીનો ભોગ બનનાર પ્રકાશ જાદવે ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ અમદાવાદથી રાજકોટ પોતાના બિઝનેસના કામ અર્થે આવેલા છે. તેઓ ત્રિકોણ બાગ પાસે આવેલી હોટેલ ક્રાઉનમાં રોકાયા હતા. મોડી રાત્રે તેઓ રાજકોટ પહોંચ્યા હોવાથી તેમને રેસ્ટોરન્ટમાં જમવા જવા કરતા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું યોગ્ય લાગ્યું હોવાથી તેમણે ઝોમેટો મારફતે પરફેક્ટ આમલેટ નામની રેસ્ટોરન્ટમાથી ફૂડ ઓર્ડર કર્યું. ફૂડની સાથે છાશ પણ ઓર્ડર કરી હતી.
જમી લીધા બાદ આ છાશ પિતા જ પ્રકાશ ભાઈને એકદમ તમ્મર ચડી ગયા,ચક્કર આવવા લાગ્યા અને ઊલટીઓ શરૂ થઈ ગઈ,જેથી તેમણે છાશનું પેકિંગ ચેક કરતા આ છાશ 14 ઓગસ્ટના રોજ એટલે કે 10 દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગઈ હતી. આ છાશ પીવાના કારણે આખી રાત પ્રકાશ ભાઈને ઊલટીઓ થઈ અને ચક્કર આવ્યા. આ બાબતમાં ઝોમેટો,રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી કરનાર વ્યક્તિની પણ બેદરકારી છે. આ અંગે તેઓએ ઝોમેટોને ફરિયાદ કરતા ઝોમેટો દ્વારા તેમને છાશના 30 રૂપિયા રિફંડ કરવાની ઓફર આપવામાં આવી અને ત્યારબાદ ઓર્ડરની તમામ રકમ પણ રિફંડ કરવાની રજુઆત ઝોમેટો દ્વારા કરવામાં આવી.
આ પણ વાંચો : Rajkot: રાજકોટમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો, એક યુવાન જાહેરમાં પી રહ્યો છે દેશી દારૂ, વાયરલ થયો Video
“ઝોમેટો સામે કાયદાકીય કાર્યવાહી કરીશ”: પ્રકાશ જાદવ
પ્રકાશ ભાઈએ જણાવ્યું કે તેમને રૂપિયા રિફંડ મેળવવા કરતા અન્ય લોકોના આરોગ્ય સાથે આ પ્રકારે ચેડાં ન થાય તે માટે દાખલો બેસાડવો છે. જેથી તેઓ ઝોમેટો અને પરફેક્ટ આમલેટ રેસ્ટોરન્ટ સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરશે અને આગળ કાયદાકીય લડાઈ લડશે. જેથી આગળ જતા અન્ય લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય. આ પ્રકારની બેદરકારી સામે પ્રકાશ જાદવ જેવા જાગૃત વ્યક્તિ કાયદાકીય લડાઈ કરીને દાખલો બેસાડે તે જરૂરી બન્યું છે,જેથી આગળ જતા અન્ય લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ કરતા પહેલા આ પ્રકારના રેસ્ટોરન્ટ એક વખત વિચાર કરે.