Rajkot : ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇમિટેશન આર્ટથી મઢેલું વિમાન ભેટ અપાશે
રાજકોટમાં એરપોર્ટના લોકાર્પણના કાર્યક્રમમાં રાજકોટવાસીઓ તરફથી પ્રધાનમંત્રીને વિમાનની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવશે. જેમાં રાજકોટના હુનર ગણતા એવા ઇમિટેશન આર્ટથી તેને મઢવામાં આવ્યું છે.
Rajkot : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 27 જુલાઇના રોજ રાજકોટની (Rajkot) મુલાકાતે છે. રાજકોટમાં તેઓ ગુજરાતના ત્રીજા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. રાજકોટમાં એરપોર્ટના લોકાર્પણના કાર્યક્રમમાં રાજકોટવાસીઓ તરફથી પ્રધાનમંત્રીને વિમાનની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવશે. જેમાં રાજકોટનું હુનર ગણી શકાય તેવું ઇમિટેશન આર્ટ દેખાશે. રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા પ્રધાનમંત્રીને ભેટ આપવા માટે ખાસ વિમાન તૈયાર કર્યું છે. આ વિમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રીને ભેટ સ્વરૂપે આપશે.
આ પણ વાંચો Rajkot : PM Modi કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ,જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
30 કારીગરોની 30 કલાકની મહેનતથી તૈયાર કરાયું વિમાન
રાજકોટ આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગને અનુરૂપ વડાપ્રધાનને ભેટ આપી શકાય તે માટે રાજકોટના ઇમિટેશન વ્યવસાયિકો દ્વારા આ અઢી ફૂટના વિમાનની પ્રતિકૃતિને સજાવીને તૈયાર કરવામાં આવી છે. સૌપ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગર દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. એ પછી આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા વિશિષ્ટ ઇમિટેશનનો ઢોળ ચડાવવામાં આવ્યો છે.
ઇમિટેશનની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે. આ માટે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશને જહેમત ઉઠાવી હતી અને ઈમિટેશનના નિષ્ણાત 30 કારીગરોને આ કામમાં રોક્યા હતા. આ કારીગરોએ 30 કલાકની સખત મહેનતથી આ ‘પ્લેન’ને શણગાર્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે આ વિમાનની પ્રતિકૃતિ સમાન રાજકોટના વિકાસની ઉડાનનું પ્રતિક બની રહેશે.
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે PM મોદીની સભા માટે ખાસ વ્યવસ્થા કરાઈ
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશાળ જનસભાને સંબોધન કરવાના છે ત્યારે પાંચ ડોમમાં એક લાખથી વધારે લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર ડોમમાં સેન્ટ્રલ એલઇડી સ્ક્રિન સહિત કુલ 35 જેટલી એલઇડી સ્ક્રિન મુકવામાં આવી છે. આ ઉપરાંત 144 જેટલા સાઉન્ડ બોક્સ મુકવામાં આવશે. પ્રધાનમંત્રીનું ભાષણ અને આ કાર્યક્રમ સભાસ્થળે હાજર પ્રત્યેક વ્યક્તિ નિહાળી શકે તે માટે આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સિસ્ટમ કન્ટ્રોલિંગ અને મોનિટર સહિત કુલ 40થી વધારેનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો