લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના ગુજરાતમાં ધામા, 25મીએ રાજકોટમાં જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી કરશે રોડશો

લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટ આવવાના છે અને રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કરશે. રાજકોટમાં પીએમ મોદી જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. આ રોડ શો રૂટ પર પીએમ મોદીના સ્વાગત માટે 21 જેટલા સ્ટેજ ઉભા કરવામાં આવશે.

| Edited By: | Updated on: Feb 20, 2024 | 9:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24, 25 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટ આવશે અને જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. રોડ શો રૂટ પર પીએમ મોદીના સ્વાગત માટે વિવિધ સ્ટેજ તૈયાર કરવામાં આવશે.

પીએમ મોદી વિવિધ સંસ્થાઓ અને સમાજના લોકોનું અભિવાદન જીલતા રોડ શો રૂટ પર આગળ વધશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તેઓ જંગી જનસભા પણ સંબોધવાના છે. રોડ શો પૂર્ણ થયા બાદ તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે પહોંચશે. સભા સ્થળે પણ સભા સંબોધ્યા બાદ પીએમ મોદી લોકોની વચ્ચે જઈને લોકોનું અભિવાદન જીલશે.

25મીએ પીએમ મોદીનો રાજકોટમાં રોડ શો

પીએમ મોદી 25 મી ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને હજારો કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે. પીએમ મોદી ઊર્જા વિભાગના 513 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરશે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પીએમ મોદીના રોડશો અને જનસભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભા સંબોધ્યા બાદ તેઓ સીધા દિલ્હી જવા રવાના થશે.

22મીએ પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલનમાં આપશે હાજરી

લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી વિવિધ કાર્યક્રમ અર્થે ત્રણ દિવસ ગુજરાતમાં ધામા નાખશે, જેમા સૌપ્રથમ તેઓ 22 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. આ દિવસે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપશે. અહીં સભા સંબોધી તેઓ મહેસાણામાં વાળીનાથ મંદિરના દર્શને જશે અને તરભ ખાતે વિવિધ વિકાસકામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી દક્ષિણ ગુજરાત પહોંચશે અને નવસારીમાં વિવિધ યોજનાઓના વિકાસકામોને હરીઝંડી આપશે. ત્યાથી તેઓ વારાણસી જવા રવાના થશે.

આ પણ વાંચો: રાજ્ય શિક્ષણ સેવા વર્ગ- 1 અને વર્ગ 2ની 473 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી સત્વરે ભરાશે- શિક્ષણમંત્રી કુબેર ડીંડોર

24 ફેબ્રુઆરીએ પીએમ મોદી ફરી ગુજરાત આવશે અને જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. 25મીએ પીએ મોદી દ્વારકામાં નવનિર્મિત સિગ્નેચર બ્રિજ અને વ્યુઈંગ ગેલેરીનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશના દર્શને જશે. મંદિરમાં ત્રણેક કલાક રોકાયા બાદ પીએમ મોદી વિવિધ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સભાને સંબોધન કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:41 pm, Tue, 20 February 24