રાજકોટના માર્ગો પર નીકળી ભવ્ય પોથીયાત્રા, ગૂંજ્યા જય બજરંગ બલીના નાદ, હનુમાન ચાલીસા કથાનો થયો પ્રારંભ
Rajkot: રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજથી હનુમાનચાલીસા કથાનો પ્રારંભ થયો છે. આ કથા પહેલા શહેરના માર્ગો પર ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ દરમિયાન જય શ્રીરામ, જય હનુમાન અને જય બજરંગ બલીના નાદથી રાજકોટના માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.
રાજકોટમાં પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવાકથાનું આયોજન તારીખ 27 ડિસેમ્બર 2022થી તારીખ 1 જાન્યુઆરી, 2023 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. જેમાં સાળંગપુરધામના હરિ પ્રકાશદાસજી સ્વામી તેમના મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવશે. આજથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થશે. ક્થાના પ્રારંભ પૂર્વે શાસ્ત્રી મેદાનથી પોથીયાત્રાનો પ્રારંભ થયો. તેમજ સંતો-મહંતોનું સામૈયું કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ શાસ્ત્રી મેદાનથી રેસકોર્સ કથા સ્થળ સુધી ભવ્યાતિભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જે પોથીયાત્રા શાસ્ત્રી મેદાનથી નીકળીને માલવિયા ચોક, રામકૃષ્ણ આશ્રમ થઈને જિલ્લા પંચાયત ચોક થઈને બહુમાળી ભવન પહોંચી હતી. ત્યાંથી પોલીસહેડ ક્વાર્ટરની સામે આવેલા રેસકોર્સના ગેઈટમાંથી પોથીયાત્રા સભામંડપ સુધી પહોંચી હતી. પોથી યાત્રામાં બગીઓમાં સંતો મહંતો બીરાજીને નગરજનોને દર્શન આપ્યા હતા.
પોથીયાત્રા દરમિયાન ગૂંજ્યા જય શ્રી રામ, જય હનુમાન, જય બજરંગ બલીના નાદ
27 ડિસેમ્બરથી તારીખ 1 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનારી આ હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ સાંજે 8.30 ક્લાક્થી રાત્રીના 11.30 કલાક સુધીનો રહેશે. જેમાં વ્યાસપીઠે સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાગણોને કથાનું રસપાન કરાવશે. તેમજ કથા દરમયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મન ગાઈને કરવામાં આવશે. તેમજ પૂર્ણાહૂતિમાં વંદે માતરમ ગીત ગાવામાં આવશે. શ્રી હનુમાન ચાલીસા યુવા ક્થામાં રાજકોટની જનતાને પધારવા માટે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ, રાજકોટ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કથા સ્થળે સાળંગપુરધામની અભિભુતી કરાવશે મંદિર
શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની વિશેષતાની વાત કરીએ તો રેસકોર્સમાં આવેલા કથા સ્થળે મેઈન સ્ટેજ 45*80 ફૂટનું રહેશે. તેમજ સ્ટેજ ઉપર 28*10 ફૂટની બે વિશાળ એલઈડી સ્ક્રીન લગાવાઈ છે. તો સ્ટેજની એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી તરફ ધર્મધ્વજ રહેશે.તેમજ વ્યાસપીઠના પાછળના સ્થાને 26*26 ફૂટની હનુમાનજી મહારાજનું વિશાળ કટઆઉટ . રાખવામાં આવ્યું છે. તેમજ કથા સ્થળ ઉપર મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની આભિભૂતી કરાવતું મંદિર બનાવાયું છે. આ ઉપરાંત શ્રોતાગણો માટે 12 * 20 ફૂટની 7 જેટલી વિશાળ એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે.
કથાના શ્રવણ માટે આવતા ભાવિકો માટે રોજ ફોટો અને પ્રસાદીની વ્યવસ્થા
શ્રી હનુમાન ચાલીસા યુવા ક્થામાં દરરોજ 35 હજાર કરતા પણ વધારે શ્રોતાગણો પધારવાના છે. ત્યારે શ્રોતાગણો તથા તેમના સ્વજનોને દરરોજ 14*20 ઈંચની હનુમાનજીનો ફોટો, ભાવાર્થ સાથેની હનુમાન ચાલીસા તેમજ પ્રસાદ આપવામાં આવશે. ક્થાના દિવસો દરમયાન આવનારા તમામ શ્રોતાગણોને આ આપવામાં આવશે.
તા. 31મી ડિસેમ્બર શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી
અન્નકૂટ મહોત્સવ જ્યારે સમગ્ર વિશ્વ તા. 31મી ડિસેમ્બર અને શનિવારના રોજ નવાવર્ષની ઉજવણી કરી રહ્યું હશે. ત્યારે રાજકોટમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં 51 કિલોની દાદાને કેક ધરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર સભામંડપને ફૂલો અને ફુગ્ગાથી સજાવવામાં વશે. 108 કિલો પૂષ્પોની વર્ષાથી શ્રી હનુમાનજી મહારાજ, સંતો અને ભક્તોને વધાવશે. આ ઉપરાંત દાદાને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવશે.
કથા દરમયાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ઓર્ગન ડોનેશન શપથ કેમ્પ યોજાશે
શ્રી હનુમાન ચાલીસા યુવા ક્થામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. આ ઉપરાંત ઓર્ગન ડોનેશન શપથ, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જરૂરીયાતમંદ 500 દીકરીઓના બેંક ખાતામાં 251 જેટલી રકમ જમા કરાવાશે. તેમજ વૃક્ષારોપણ કેમ્પ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન વિશે સમાજ આપવામાં વશે. તેમજ સૈનિક વેલ્ફેર (ડોનેશન) કેમ્પ અને શૈક્ષણિક સેમિનાર અને શિક્ષણ ઉપયોગી કાર્યો કરવામાં આવશે.