Monsoon 2023: સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ, મોડાસામાં 2 કલાકમાં 3 ઈંચ
Rain in Sabarkantha, Aravalli: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડી સાંજે વરસ્યો છે. મોડાસા શહેરમાં અનેક સ્થળો પર પાણી ભરાઈ જવાના સમાચાર સામે આવ્યા છે. મેઘરજમાં પણ રસ્તા પર પાણી વહ્યા હતા.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. બંને જિલ્લામા ભારે ગાજવીજ સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, મોડાસા, મેઘરજ, ભિલોડા, ઈડર સહિતના અનેક વિસ્તારોમા વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં એક કલાકમા એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. મોડાસા શહેરમાં રાત્રીના 10 થી 12 કલાકના 2 કલાકના અરસા દરમિયાન 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. મોડાસામાં 12 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ દિવસ દરમિયાનનો નોંધાયો હતો. મેઘરજમાં પોણા બે ઈંચ અને ભિલોડામાં એક વરસાદ નોંધાયો હતો.
દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજના અરસા દરમિયાન અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારમા વરસાદ વરસવો શરુ થયો હતો. ત્યારબાદ મોડાસા અને હિંમતનગર તેમજ તેની આસપાસના વિસ્તારમા વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ વીજપૂરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો.
સાબરકાંઠામા ધોધમાર વરસાદ
મોડી રાત્રીના અરસા દરમિયાન સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ રાત્રી દરમિયાન નોંધાયો હતો. તલોદમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. હિમતનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કાંકણોલ, આગિયોલ, બેરણા, નવા અને ડેમાઈ સહિતના વિસ્તારમા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે ભારે ગાજવીજ થતા માહોલ તોફાની વરસાદ સ્વરુપ બન્યો હતો.
ગાજવીજ વરસાદને લઈ હિંમતનગર શહેરના અનેક વિસ્તારોમા વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ જવાને લઈ સ્થાનિકો પરેશાન બન્યા હતા. દરમિયાન સ્થાનિક વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અરવલ્લીમાં ધોધમાર વરસાદ
મોડાસા શહેરમાં પણ મોડી રાત્રી દરમિયાન 3 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો હતો. બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાવાને લઈ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના મુખ્ય ચાર રસ્તાના સર્કલ વિસ્તારમાં, મેઘરજ અને માલપુર રોડ સહિત અનેક માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ચાર રસ્તા પોલીસ ચોકી સમક્ષ પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.
મેઘરજ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. મેઘરજ શહેરમાં પોસ્ટ ઓફિસ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. કેટલાક રસ્તાઓ પર પાણી ધોધમાર વરસાદને લઈ વહ્યા હતા. માલપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. મેઘરજના લીંબોદરા, બેલ્યો, ઉંડવા અને ડચકા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ જારી રહ્યો હતો.