પોરબંદરઃ રખડતા આખલાઓએ મચાવ્યો ઉત્પાત, રેકડીઓનો વાળ્યો કચ્ચરઘાણ
પોરબંદરમાં(Porbandar) રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો હોવા છતાં તંત્ર આ સમસ્યા સામે બેદરકાર છે અને નક્કર પગલાં ન લેવાતાં રખડતાં ઢોરનો ભોગ નાગરિકો બની રહ્યા છે
પોરબંદરમાં(Porbandar) શહેરમાં લીમડા ચોક પાસે બે આખલા (Stray bulls)ઝઘડયા હતા અને તેના પગલે શાક માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી. આખલા યુદ્ધના પગલે લીમડા ચોકમાં કેટલાય વાહનો તથા રેકડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોરબંદરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો હોવા છતાં તંત્ર આ સમસ્યા સામે બેદરકાર છે અને નક્કર પગલાં ન લેવાતાં રખડતાં ઢોરનો ભોગ નાગરિકો બની રહ્યા છે.
શહેરમાં શાક બજાર જેવા જાહેર સ્થળોએ ઠેર ઠેર ઢોર અડિંગો જમાવીને બેસેલા હોય છે અને અચાનક ઉભી થઈ જતા કે દોટ મૂકતા હોય છે તેવી પરિસ્થિતિમાં શાકભાજીની લારીઓ, ખરીદી કરવા નીકળેલા લોકો ખાસ તો બાળકો સાથે નીકળેલી ગૃહિણીઓ અને વૃદ્ધો માટે જીવનું જોખમ ઉભું થઈ જાય છે. આ ઘટનામાં પણ આખલાઓ ઝઘડતા શાકબજારની કેટલીક લારીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. શાક બજારમાં લારી લઇને અને નાની રેકડી લઇને ઉભા રહેતા શ્રમજીવીઓમાં આ ઘટનાને પગલે રોષ વ્યાપી ગયો હતો. તેમણે લારીમાં મૂકેલી વેચાણની વસ્તુઓ નાશ પામી હતી અને તેમને આર્થિક નુકસાન પણ થયું હતું.
આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર આ બાબતે અતિશય બેદરકારી દાખવી રહ્યું છે. અને સ્થાનિકોને આ સમસ્યાનો કોઈ અંત દેખાતો નથી. સમગ્ર ગુજરાતમાં આ સમસ્યા વાયપક બની છે રોજ કોઇને કોઈ જિલ્લામાં કે શહેરમાં લોકો રખડતા ઢોરના આતંકનો ભોગ બની રહ્યા છે અને આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ મળી રહ્યો નથી. ગુજરાતમાં રખડતા આખલાનો ત્રાસ ન હોય તેવી ભાગ્યે જ કોઈ મહાનગરપાલિકા કે પાલિકા હશે.
રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે વૃદ્ધો
થોડા સમય પહેલા જામનગરમાં 62 વર્ષીય આ વૃદ્ધાને ઢોરે અડફેટે લેતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. તો વડોદરામાં પણ ગાયે શિંગડું મારતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી જ્યારે તાજેતરમાં જ એક ગાડી ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસને નિવારવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જોકે તેને પરત લેવામાં આવી છે.
અમદાવાદમાં બે દિવસ પહેલા જ વાહન પર જતી યુવતી પર ગાયે હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. યુવતીને 6 જગ્યાએ ફ્રેક્ચર અને 15થી વધુ જગ્યા પર ટાંકા આવ્યા છે. ત્યારે ફરી એક વાર લોકોમાં રખડતા ઢોરોના ત્રાસને લઇને રોષ જોવા મળ્યો હતો.