Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન
Porbandar: પોરબંદરમાં પાલિકા આકરા પાણીએ જોવા મળી છે. અનેક નોટિસ આપવા છતા મિલકત વેરો નહીં ભરનારા લોકો સામે હવે પાલિકા પગલા લેશે અને તેમના પાણીના કનેક્શન કાપી નાખવાની તૈયારીમાં છે.
પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી છે કે લોકોનું પાણીનું કનેક્શન જ કાપી નાખશે. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી, પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું છે. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા છે. લોકોનું કહેવું છે કે વેરા ઉઘરાવવામાં ઉસ્તાદ પાલિકા શહેરની સફાઈના કામો કરવામાં પહેલાં ધ્યાન આપે.
પાલિકાએ વેરો નહીં ભરનાર 7 મિલકત કરી સીલ
એક તરફ શહેરમાં ગંદકી છે, ઠેર ઠેર તૂટેલા ફૂટપાથ અને ડિવાઈડર છે. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જોકે પાલિકા એ વાત કાને ધરવાને બદલે પોતાની પહેલ પર મકકમ છે. હાલમાં જ શહેરીજનો વેરો તાત્કાલિક ભરે તેના માટે 82 મિલકત માલિકોને વેરા બિલ આપ્યા હતા, જેમાંથી અનેક લોકોએ તો તરત જ વેરા ભરી દીધા છે તો કેટલાક ઉદાસીન લોકોએ વેરો નહિ ભરતાં પાલિકાએ 24000થી વધુ મિલકત માલિકોને નોટિસો ફટકારી અને 7થી વધુ મિલકતો સિલ પણ મારી દીધી છે. પાલિકાનું કહેવું છે કે આ કામગીરી ચાલુ રહેશે.
એક તરફ પાલિકા લાઈટ, પાણી, ગટર, સફાઈ, એજ્યુકેશન અને હાઉસ ટેક્સના વેરાની ઉઘરાણી કરે છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જરૂરી સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી છે અને ઢોલનગારા વગાડવાને બદલે સામાન્ય લોકોની મજબૂરી સમજી કોઈક વચલો રસ્તો કાઢવો જોઈએ.
આ પણ વાંચો: Video: પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી ભભુકી ઉઠી ભીષણ આગ, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા
હાલ તો પાલિકા આકરા પાણીએ વેરા વસુલાતમાં જોતરાઈ છે, પરંતુ સ્થાનિકોનું માનીએ તો પૈસાદાર લોકો અને સરકારી મિલ્કતો ક્યારેય વેરા ભરતી નથી, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આંખ આડા કાન કરે છે. જો સરકારી મિલ્કતો અને બંધ પડેલા ઉદ્યોગોનો વેરો પાલિકા સમયસર વસુલ કરે તો લોકોને વધુ સુવિધા અને સુખાકારી મળી રહે.
ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર