પાટણના હારીજ APMCમાં ચણા ખરીદી કૌભાંડ કેસમાં ખેડૂતો અને તલાટીઓ સામે કાર્યવાહી, 189 ખેડૂતોને હવે 5 વર્ષ સુધી સરકારી લાભો નહી મળે
પાટણના (Patan) હારીજ APMCમાં ચણા ખરીદી કૌભાંડ કેસમાં 11 ગામોમાં 189 ખેડૂતોએ ખોટું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel) ચણાની ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના પાટણ (Patan) જિલ્લામાં ચણાની (Chick Peas ) ખરીદીમાં ગેરરીતિ (Scam) કેસમાં ખેડૂતો અને તલાટીઓ સામે મોટી કાર્યવાહી થઇ છે. 189 ખેડૂતોને હવે 5 વર્ષ સુધી સરકારી લાભો નહી મળે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતો સામે કાર્યવાહી થઇ છે. ગાંધીનગર કૃષિ વિભાગની 5 ટીમે સમગ્ર મામલે તપાસ કરી હતી. આ કેસમાં 10 તલાટીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પાટણના હારીજ APMCમાં ચણા ખરીદી કૌભાંડ કેસમાં 11 ગામોમાં 189 ખેડૂતોએ ખોટું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે.
ધારાસભ્ય કિરીટ પટેલે ચણાની ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે હારીજ તાલુકાના બે ગામોમાં ખેડૂતો ચણાનું વાવેતર કરતા જ નથી. તેમ છતાં જે ખેડૂતો ચણાનું વાવેતર નથી કરતા તેમના નામે તલાટી અને અધિકારીઓએ મળીને ખોટી એન્ટ્રી કરાવી છે. ખોટી એન્ટ્રી કરી તલાટી અને અધિકારીઓએ 60થી 70 લાખના ચણાની ખરીદી કરી હતી. સાથે જ કિરીટ પટેલે દાવો કર્યો હતો કે આ કૌભાંડ સામે આવતા અમે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. એટલું જ નહીં કૃષિ પ્રધાને આ અંગે જવાબદારો સામે પગલા લેવા ખાતરી આપી હતી.
ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ કરાઇ
ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે ખેડૂતોના હિતમાં ચણાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી. જેમાં સરકાર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા પાકની ખરીદવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી. તેમ છતાં પાટણ જિલ્લામાં ચણાની ખરીદીમાં તલાટી અને અધિકારીઓની મિલીભગતથી ચણા નહિ ઉગાડતા ગામમાંથી ચણાની ખરીદી કરવામાં આવી હોવાનું તથ્ય બહાર આવ્યું. જેને લઇને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને ઘેરી હતી. તેમજ તલાટી અને અધિકારીઓએ મિલીભગતથી ચણાની ખરીદીમાં કૌભાંડ આચર્યું હોવાનું આક્ષેપ કર્યો હતો. જેના પગલે સરકારે આ સમગ્ર મામલે તપાસ કરવાની હૈયાધારણા આપી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો