બોન્ડ ધરાવનારા ડોકટરને તાત્કાલિક હાજર થવા આદેશ, હાજર નહી થનારા ડોકટર સામે એપેડેમીક એક્ટની કરાશે કાર્યવાહી

ગુજરાતમાં કુલ 1200થી વધુ બોન્ડ ધારક તબીબોને હાજર થવા સરકારે આદેશ કર્યો છે. આજે 26મી એપ્રિલને 2021ની સાંજ સુધીમાં જે બોન્ડ ધારક તબીબ હાજર ના થાય તેમની સામે એપેડેમિક એક્ટ મુજબ પગલા ભરવા જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરને આદેશ અપાયા છે.

  • Bipin Prajapati
  • Published On - 8:15 AM, 26 Apr 2021
બોન્ડ ધરાવનારા ડોકટરને તાત્કાલિક હાજર થવા આદેશ, હાજર નહી થનારા ડોકટર સામે એપેડેમીક એક્ટની કરાશે કાર્યવાહી
બોન્ડ ધરાવનારા તબીબોને આજે 26મી એપ્રિલ 2021ની સાંજ સુધીમાં ફરજ પર હાજર થવા આદેશ

ગુજરાતમાં સરકારે કોરોનાના દર્દીઓ માટે ઊભી કરેલ વ્યવસ્થા મુજબ દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે બોન્ડ ધરાવનારા ડોકટરોને તાકીદે ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. બોન્ડ ધરાવનારા ડોકટર ફરજ ઉપર તાત્કાલિક હાજર નહી થાય તેવાની સામે એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યમાં અત્યારે સુનામીની જેમ કોરોના પ્રસરી ગયો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ પહોચી રહ્યાં છે. જ્યા સરકારે કરેલી વ્યવસ્થા પણ ઓછી પડે એટલી માત્રામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે, ગુજરાત સરકારે બોન્ડ ધરાવનારા તબીબોને તાકીદે તેમની ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. આદેશની અવગણના કરનારા બોન્ડ ધારક ડોકટરો સામે એપેડેમીક એક્ટ હેઠળ કેસ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ગુજરાતમાં કોવીડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં વધારાના માનવબળની જરૂરીયાત ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ ગુજરાતના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબોને ફરજિયાતપણે તાત્કાલિક ફરજ પર હાજર થવાનો હુકમ કર્યો છે.

આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૫૧૩, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૩૬ તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ૫૯૩ ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -૨ તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

રાજ્યના તબીબી શિક્ષણ અમને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ મુજબ કોરોનાના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે. જેની કબુલાત ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રીટ દરમિયાન પણ કરી હતી. ગુજરાતમા ઉભી થયેલી તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે, જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરુરિયાત ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે.

ગુજરાત સરકારે કરેલા આદેશ મુજબ બોન્ડેડ તબીબો, આજે ૨6 એપ્રિલ 2021ની સાંજ સુધીમાં, તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને આઠ શહેરના મ્યુનિસિપલ કમિશનરોને એપેડેમિક એક્ટની કલમ-૩ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.