કચ્છીપુરામાં 25થી વધુ ઊંટના ક્રૂડ ઓઈલથી મૃત્યુ નિપજવાની વાતનો ONGCએ છેદ ઉડાવ્યો, મૃતદેહ અન્ય સ્થળેથી લાવી મુકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો
Bharuch : ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે ઝેરી પાણી પીવાના કારણે 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા હતા. સૂકાભઠ વિસ્તારમાં જ્યાં ઊંટના મૃતદેહ મળી આવ્યા હતા ત્યાં ongc ની ક્રૂડની લાઈન લીકેજ થવાથી ઓઈલનું નાનું તળાવ બની ગયું હતું.
Bharuch : વાગરા તાલુકાના કચ્છીપુરા નજીક 25થી વધુ ઊંટના મોત નિપજવાના મામલામાં ONGC નું ઓઇલ મિશ્રિત પાણી પીવાથી ઊંટના મોટ નિપજવાના આક્ષેપ સાથે તપાસ શરૂ કરાઈ છે ત્યારે ONGC એ ઊંટના મૃતદેહ ઓઇલ વેલ નજીક લીકેજ થવાથી એકત્રિત થયેલા પાણીના કારણે ઊંટના મોત નિપજવાની થિયરી સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ONGC દ્વારા આ મામલે એક નિવેદન જાહેર કરાયું છે જેમાં ઊંટના મૃતદેહ અન્ય સ્થળેથી લાવી મુકવામાં આવ્યા હોવાના કાવતરાના આક્ષેપ કરવામાં આવ્યા છેતો બીજી તરફ GPCB એ ઓઇલ લીકેજના કારણે પર્યાવરણને નુકસાન પહોચડવના આરોપ સાથે ONGC ને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ઘટના શું બની હતી?
ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે ઝેરી પાણી પીવાના કારણે 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા હતા. સૂકાભઠ વિસ્તારમાં જ્યાં ઊંટના મૃતદેહ મળી આવ્યા હતા ત્યાં ongc ની ક્રૂડની લાઈન લીકેજ થવાથી ઓઈલનું નાનું તળાવ બની ગયું હતું. આ પાણી પીવાથી ઊંટના મૃત્યુ નિપજ્યા હોવાનું તારણ લગાવાયું હતું અને તપાસ શરૂ કરાઈ હતી.
GPCB એ દંડ ફટકાર્યો
ઘટનામાં સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પણ લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGC ને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે.જે પગલાં ભરાયા છે તે કચ્છીપુરામાં ઓઇલ લાઈનમાં લીકેજના કારણે પર્યાવરણને નુકસાનને લઈ કાર્યવાહી કરાઈ છે. તંત્ર હજુ મૃત્યુ પામેલા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.
ONGC એ કાવતરાના આક્ષેપ કર્યા
ઘટનાને લઈ ઓએનજીસીએ નિવેદન જાહેર કરતા કહ્યું છે કે પર્યાવરણ ઇજનેરોની બનેલી આંતરિક તપાસ ટીમની રચના કરી 27મી મે 2023ના રોજ સવારે સ્થળ પર પહોંચી હતી અને વિગતવાર તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ ઊંટના મોંઢા અને શરીર પર તેલના કોઈ નિશાન નથી. ઊંટના મૃતદેહો પાસે વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા છે પ્રથમ દૃષ્ટિએ દેખાઈ આવે છે કે ઊંટના મૃતદેહો કેટલાક વાહનોમાં લાવવામાં આવ્યા હશે અને ઓએનજીસીના કૂવા પાસે મૂકવામાં આવ્યા હશે.કચ્છીપુરા વિસ્તારમાં ઊંટોના કમનસીબ મૃત્યુનો ઓઈલ લીકેજ સાથે કોઈ સબંધ નથી
પોસ્ટમોટર્મ રિપોર્ટ હકીકત સામે લાવશે
ઊંટના મોતનું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું છે. આ ઊંટના શરીરના અંગને ફોરેન્સિક તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટના ઊંટ ક્યાં કારણોસર મૃત્યુ પામ્યા છે તે હકીકત સામે આવશે.