Breaking News : નવસારીના બિલિમોરામાં પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ફાયરિંગ, એક આરોપી ઇજાગ્રસ્ત
નવસારીના બિલિમોરામાં મંગળવારે શાર્પ શૂટર ગેંગ અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે ગોળીબાર થયો. હથિયાર ડિલિવરીની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી.

નવસારી જિલ્લાના બિલિમોરા શહેરમાં મંગળવારે ઘટના બની હતી, જ્યાં શાર્પ શૂટર ગેંગ અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. મળેલી માહિતી મુજબ, બિલિમોરા વિસ્તારમાં હથિયારોની ડિલિવરી માટે કેટલાક શંકાસ્પદ ઈસમો આવી પહોંચ્યા હોવાનું ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતાં પોલીસ તાત્કાલિક રેડ માટે પહોંચી હતી.
જેમજ પોલીસ સ્થળ પર પહોંચી, તેમ આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે પણ બચાવ માટે જવાબી ફાયરિંગ કર્યું, જેમાં એક આરોપીને પગના ભાગે ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ આખી કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રણ ભારતીય બનાવટની પિસ્તોલ અને કુલ 27 રાઉન્ડ કાર્ટીસ જપ્ત કર્યા છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમના પાસેથી વધુ માહિતી મેળવવા પૂછપરછ શરૂ કરી છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ યસ સિંહ (હરિયાણા), રિષભ શર્મા (મધ્ય પ્રદેશ), મનીષ કુમાવત અને મદન કુમાવત (બન્ને રાજસ્થાન) તરીકે થઈ છે. પોલીસે તમામને હથિયાર સપ્લાય નેટવર્ક સાથેના સંબંધોને લઈને પૂછપરછ માટે રિમાન્ડ પર લીધા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બિલિમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને જિલ્લા પોલીસ તેમજ ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રારંભિક તપાસ મુજબ આ ગેંગ હથિયાર સપ્લાય ચેઇનનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
