Navsari: વિદેશમાં જઈ ડોલરમાં કમાણી કરવા માગતા સુરતના યુવાન સાથે 49 લાખની છેતરપિંડી
ચેક રિપબ્લિકની કંપનીમાં નોકરી અપાવવાના બહાને 49.2 લાખ રૂપિયા લીધા હતા પરંતુ નક્કી થયેલ ડીલ મુજબ વિદેશ ના મોકલીને અને પૈસા પરત ન આપીને સુરતના યુવાન સાથે છેતરપિંડી આચરી હતી
સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે ત્યારે વિદેશ પહોંચવાના નામે કેટલીક વાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. વિદેશ જવાના બહાને 49 લાખ રૂપિયા પડાવી લેવાના કિસ્સામાં ચીખલી (Chikhali) નો યુવાન પોલીસના સકંજામાં આવી ગયો છે.
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા પંદર દિવસથી તણાવપૂર્ણ વાતાવરણ ઊભું થયું છે યુક્રેનના બે ભાગ કરવામાં રશિયા સફળ રહ્યું છે. ડિપ્લોમેટિક કૂટનીતિ વચ્ચે ફસાયેલા યુક્રેનના માર્ગે ચેક રિપબ્લિક મોકલવા માટે નવસારી (Navsari) ના ચીખલી તાલુકાના તેજ રાજ પટેલે સુરત (Surat) ના જગદીશ સેન્ધ્વા નામના યુવાન સાથે ડીલ કરી હતી.
ચીખલીમાં વિહા કન્સલ્ટન્સી (consultancy) નામે વિદેશ મોકલવાનું કામ કરતા તેજ રાજ પટેલે ચેક રિપબ્લિકની કંપનીમાં નોકરી અપાવવાના બહાને 49.2 લાખ રૂપિયા લીધા હતા પરંતુ નક્કી થયેલ ડીલ મુજબ વિદેશ ના મોકલી અને પૈસા પરત ન આપી છેતરપિંડી કરતા તેજ રાજ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જિલ્લામાંથી વારંવાર વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના કિસ્સાઓમાં સામે આવતા હોય છે તેમ છતાં ન ચેતતા લોકો માટે ફરી એકવાર ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે ચીખલીના વિહા કન્સલ્ટન્સી ચલાવતા તેજ રાજ પટેલે 15 જેટલા યુવાનો સાથે 49.99 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ચેક રિપબ્લિકની કંપનીમાં નોકરી આપવાના નામે થયેલી છેતરપિંડીમાં હજુ પણ વધુ યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે કે કેમ એ દિશામાં નવસારી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gujarat માં શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ
આ પણ વાંચો : આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં