Narmada: કાકડીઆંબા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને અપાયુ એલર્ટ
બે દિવસ પહેલા રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) જળાશયોની વિગતો આપતા કહ્યુ હતુ કે, રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે.
ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદથી (Rain) વિવિધ જિલ્લામાં જળાશયો છલકાઇ ગયા છે. નદી-નાળાઓ બે કાંઠે વહેતા થઇ ગયા છે. નર્મદા (Narmada) જિલ્લામાં એક તરફ વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. બીજી તરફ કાકડીઆંબા ડેમ (Kakdiamba Dam) થયો ઓવરફલો થયો છે. જેના પગલે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.
સુરવાણી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો
નર્મદા જિલ્લો 43 ટકા વનરાજી ધરાવતો જિલ્લો છે. હાલ વરસાદી વાતાવરણમાં નર્મદા જિલ્લાની વનરાજી આંખોને ઠંડક આપે તેવી દેખાઈ રહી છે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી (Statue of Unity) 15 કિલોમીટર દૂર આવેલ સુરવાણી ધોધ હાલ વરસાદમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જેના પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સહેલાણીઓનો ધસારો વધ્યો છે.
કાકડીઆંબા ડેમ ઓવરફલો
બીજી તરફ નર્મદા જિલ્લામાં આવેલો કાકડીઆંબા ડેમ ઓવરફલો થયો છે. કાકડીઆંબા ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના ગામોને માછીમારી કે અન્ય કોઈ અવર જવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે. કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા 12.05 મિલીયન ક્યુબીક મીટર પાણી સંગ્રહ થયો છે. ડેમમાં હાલમાં 406 ક્યુસેક પાણીની આવક છે. તો ડેમની જળ સપાટી 187.50 મીટર નોંધાઈ છે. હાલ ડેમ 10 સેન્ટિમીટરથી ઓવરફલો થયો છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
કાકડીઆંબા ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કાકડીઆંબા સિંચાઈ યોજના હેઠળ સાગબારા તાલુકાના 19 ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સિઝન માટે પાણીનો લાભ મળશે. ખેડૂતોને આ વર્ષે સિંચાઇના પાણી માટે મુશ્કેલી ન થવાની આશા છે.
રાજ્યના અનેક જળાશયો છલકાયા
મહત્વનું છે કે વરસાદના પગલે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. બે દિવસ પહેલા રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત 30 જળાશયો 70 થી 100 ટકા, 27 જળાશયો 50 થી 70 ટકા, 51 જળાશયો 25 થી 50 ટકા અને 77 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના 46.25 ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના 48 ટકા ભરાયા છે.