સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી, વિંધ્યાચલના જંગલમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે
કેસુડાના ફૂલો સાથે ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધીનું ટ્રેકીંગ કરી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવી પ્રવાસીઓને કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો અપાય છે.
નર્મદા (Narmada) જિલ્લામાં વસંતઋતુમાં ખાખરના વૃક્ષ પર થતાં કેસુડાના ફૂલની સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દ્વારા કેસુડા ટૂર (Kesuda Tour) ની શરૂઆત કરવામાં આવી છે. કેસુડા ટૂરની મજા માણીને પ્રવાસીઓ ખૂબ આનંદિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ (tourists) કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ (Vindhyachal) પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની પરીકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. અત્યારસુધી દેશ-વિદેશના ૭૮ લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. ત્યારે આ વિસ્તારની ખાસ વિશેષતા એ પણ છે કે આ એકતાનગર વિસ્તારમાં કેસુડા એટલે કે ખાખરના લગભગ 65000 વૃક્ષ છે. વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેથી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી છે.
સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. હાલ ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતાની સાથે જ અહીંના તમામ વિસ્તારમાં ચારેબાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષોની વચ્ચે ખાખરના વૃક્ષો પર કેસરી કલરના ફૂલોથી વન વિસ્તારનું વાતવરણ સોળેકળાએ ખીલી ઉઠ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા હાલ કેસુડા ટૂર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી રહ્યા છે .પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવે છે જ્યાં કેસુડાના ફૂલો સાથે ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધીનું ટ્રેકીંગ કરી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવી પ્રવાસીઓને કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો અપાય છે.
આ સફરમાં પ્રવસીઓ સાથે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ગાઈડ કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય પણ કરાવે છે જેથી પ્રવાસીઓ ખુબજ ઉત્સાહથી આ સફર કરી આંનદ નો અનુભવ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી