Mehsana: વિસનગરમાં વિરપ્પનો બન્યા બેફામ ! ગેરકાયદે વૃક્ષોની કાપણી કરીને કરી રહ્યા છે કાળો કારોબાર
Visnagar : આ માફિયાઓ બેખોફ લીલાછમ ખીજડાના વૃક્ષોના નિકંદનની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક વનવિભાગ, લાટીઓવાળા અને વૃક્ષો કાપનાર માફીયાઓની મિલીભગત હોવાના સંકેત છે.
મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગર ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વિસનગરના ઉમતા રોડ પર ખીજડા ભરેલ ટ્રેક્ટર દેખાતા તેને અટકાવી પૂછપરછ કરતા કોઈપણ પરવાનગી વગર ખીજડાનું વૃક્ષ(Khijda Tree) આરક્ષિત હોવા છતાં કાપીને ગેરકાયદેસર રીતે ઉમતા લાટીમાં લઇ જતા હોવાનું ટ્રેકટરના ડ્રાયવર દ્વારા જાણવા મળ્યું હતું.બાદમાં તેમણે વિસનગર રેન્જના RFO રંજનબેન ચૌધરીને તાત્કાલિક જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી .હાલ વનવિભાગ(Forest Department) દ્વારા ટ્રેકટર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ફૂલીફાલી
ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણની ઉત્કૃષ્ટ કામગીરી માટે જેમને ” વન પંડિત ” એવોર્ડ મળેલ છે, તેવા પર્યાવરણવિદ્દ નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ફૂલીફાલી છે તેમણે પાટણ, મહેસાણા, ચાણસ્મા, વિસનગર વગેરે સ્થળે અનેકવાર આવા ખીજડા કાપેલ ટ્રેકટરો પકડી વનવિભાગ દ્વારા કેસ કરાવેલ છે.
અનેક અધિકારીઓની મિલી ભગત હોવાની સંભાવના
તેમ છતાં આ માફિયાઓ બેખોફ લીલાછમ ખીજડાના વૃક્ષોના નિકંદનની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને જેવું ટ્રેક્ટર પકડીએ કે તરત જ જે તે વિસ્તારના ફોરેસ્ટના અધિકારીઓના નામ બોલી સામેથી જ ફોન કરી ટ્રેકટરો વનવિભાગની ઓફિસે ડર્યા વગર મૂકી દેવાનું જણાવે છે. જે ક્યાંક ને ક્યાંક વનવિભાગ મહેસુલ, લાટીઓવાળા અને વૃક્ષો કાપનાર માફીયાઓ સાથે મિલીભગત હોવાના સંકેત છે.હાલ જિલ્લા કલેકટર, જિલ્લા વન અધિકારી અને પર્યાવરણ મંત્રાલય દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઇ પર્યાવરણ બચાવી લેવા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. તેમ જ લોકોને જાગૃત બની વૃક્ષો બચાવી ભાવિ પેઢીને સલામત ધરતીમાતા આપવા આહવાન કરવામાં આવ્યુ હતુ.