Mehsana: વિપુલ ચૌધરી ગ્રુપને ફરી એકવાર મોટો ઝટકો, પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર
પામોલ દૂધ મંડળીમાં હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી અને 575 માંથી 552 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીની (election) મતગણતરીમાં અશોક ચૌધરીની પેનલની ભારે બહુમતથી જીતી છે. જ્યારે વિપુલ ચૌધરીની (Vipul Chaudhary) પેનલનો રકાસ થયો છે.

મહેસાણાની (Mehsana) પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી (Vipul Chaudhary ) ગ્રુપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૌભાંડમાં જ્યુડિશિયલ કસ્ટડીની (Judicial custody) સજા ભોગવી રહેલા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન એવા વિપુલ ચૌધરીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. પામોલ દૂધ મંડળીમાં હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી અને 575 માંથી 552 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીની મતગણતરીમાં અશોક ચૌધરીની તમામ પેનલો ભારે બહુમતથી જીતી છે. જ્યારે વિપુલ ચૌધરીની પેનલનો રીતસર રકાસ થયો છે. આમ કૌભાંડોમાં ઘેરાયેલા વિપુલ ચૌધરીને હવે સહકારી સંસ્થાની ચૂંટણીમાં રાજકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
હાલમાં દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને (Vipul Chaudhary) જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં એસીબી (ACB) દ્વારા છ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી પણ કોર્ટે આ માગ નામંજૂર કરી હતી. જે બાદ વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.
વિપુલ ચૌધરીના પત્ની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે
હાલ વિપુલ ચૌધરીના ચાર બેન્ક એકાઉન્ટ, તેમના પત્ની ગીતા ચૌધરીના (Gita chaudhary) 10 એકાઉન્ટ અને પુત્રના 6 એકાઉન્ટ સહિત અલગ- અલગ 20 એકાઉન્ટ તપાસવામાં આવ્યા હતા. 2009થી 2014ના ગાળામાં વિદેશમાં 15 કરોડ જેટલા વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ વિદેશી રોકાણ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે. હાલ વિપુલ ચૌધરીના પત્ની અને તેમના પુત્ર વિરૂદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે તેવા અહેવાલ મળી રહ્યા છે.
ભ્રષ્ટાચારને લઈ તપાસનો ધમધમાટ
મહત્વનું છે કે મહેસાણાની દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારને (Corruption) લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ તપાસમાં ED પણ જોડાશે, આથી વિપુલ ચૌધરી સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.