Mehsana: દૂધ સાગર ડેરીની 63મી સાધારણ સભા યોજાઈ, દૂધના ખરીદ ભાવમાં વધારાની કરાઈ જાહેરાત
મહેસાણા દૂધસાગર ડેરીની ગઈકાલે 63મી સાધારણ સભા યોજાઈ હતી. સભામાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી.

Mehsana: મહેસાણા દૂધસાગર ડેરીની (Dudh Sagar Dairy) ગઈકાલે 63મી સાધારણ સભા (General meeting) યોજાઈ હતી. સભામાં ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સોશિયલ મીડિયામાં થતા આક્ષેપો મુદ્દે નિવેદન આપ્યું હતું કે, જે પશુપાલકને ડેરીના વહીવટ ઉપર શંકા હોય તે રૂબરૂ આવીને ચોપડા ચેક કરી શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ડેરીનું 6000 કરોડનું ટર્ન ઓવર 8500 કરોડ કરવાનો લક્ષ્યાંક છે, તો દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાની ઈચ્છા છે.
આ પણ વાંચો Mehsana: મહેસાણા ઇનોવેશન ક્ષેત્રે રાજ્યમાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે- આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ
સભામાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા કેટલીક મહત્વની જાહેરાતો કરાઈ
સભામાં અશોક ચૌધરી દ્વારા કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી. જેમાં દૂધ ઉત્પાદકના વીમામાં 59 વર્ષ ઉંમર હતી જે વધારીને 65 વર્ષ સુધી કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોના વીમા ક્લેમ રૂ.35,000થી વધારી 1 લાખ કરાયા છે. અકસ્માત વીમામાં 1 લાખમાંથી 2 લાખ કરાયા છે. તો શેર ડિવિડન્ડ 10 ટકા મંડળીઓને આપવાની જાહેરાત કરી છે. તેમજ દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો કરી 810 કરાયા છે. ગત વર્ષે ભાવ વધારો 321 કરોડ હતો જે આ વર્ષે 375 કરોડ રૂપિયા ભાવ વધારો આપવાની ડેરીના ચેરમેને જાહેરાત કરી હતી.
ડેરી દ્વારા કરાયેલ બચત અંગે માહિતી અપાઈ
ડેરીની 63મી સાધારણ સભામાં ડેરીની બચતોની વિગત આપતા જણાવ્યું હતું કે કાચા માલની અને પ્લાન્ટ મશીનરીની ખરીદીમાં રીવર્સ એક્શન કરવાથી 100 કરોડથી વધુની બચત થઈ છે, તો વ્યાજ ખર્ચમાં પ્રથમ વર્ષે 17 કરોડ અને બીજા વર્ષે 5 કરોડની બચત થઈ છે. આ ઉપરાંત ટેન્ડરીંગમાં પણ કરોડો રુપિયાની બચત સહિત ડેરી દ્વારા કરવામાં આવેલ વિવિધ બચત વિશે પશુપાલકોને વિગતવાર માહિતગાર કરાયા હતા.
દૂધ સાગર ડેરીની વિશિષ્ટ કામગીરી અંગેની માહિતી અપાઈ
દૂધ સાગર ડેરીએ કરેલ વિશિષ્ટ કામગીરી અંગે પણ સભામાં માહિતી અપાઈ હતી. જેમાં વેચાણમાં ગત વર્ષે 18.64 % અને આ વર્ષે 15.10% નો વધારો થયો હતો. તેમજ ટર્નઓવર પ્રથમ વર્ષે 20% વધી 6028 કરોડ અને બીજા વર્ષે 15% વધી 6938 કરોડ થયું હોવાની તેમજ દૂધના ભાવમાં વધારો અપાયો હોવાની માહિતી અપાઈ હતી.