Dang: કેન્દ્ર સરકારના રિવર લિંક પ્રોજેકટનો વિરોધ શરૂ, ડેમ હટાવો ડાંગ બચાવો સૂત્ર સાથે વલસાડ, ડાંગ અને તાપીના આગેવાનો ભેગા થયા
ડાંગ જિલ્લાના સામાજિક આગેવાન મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે આ યોજનામાં સરકારના સરવે પ્રમાણે 37 ગામો અને 35 હજાર જેટલાં કુટુંબ અસરગ્રસ્ત થાય છે, આ સરવે ખોટો છે, અમે સ્થાનિક રીતે તપાસ કરી તો જણાયું કે માત્ર ડાંગ જિલ્લાના જ 75 જેટલાં ગામ ડુબાણમાં જાય છે
કેન્દ્ર સરકારે બજેટમાં રિવર લિંક પ્રોજેક્ટ હેઠળ નર્મદા, તાપી અને દમણગંગા નદીઓને જોડવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં વિરોધ શરૂ થઈ ગયો છે. જેના પગલે વઘઇ તાલુકાના કાલીબેલ ગામ ખાતે રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ સાથે આદિવાસી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી.
આદિવાસી બચાવો’ની માંગ સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકોએ બેઠકો શરૂ કરી દીધી છે. કાલીબેલ ગામે મળેલી બેઠકમાં આગામી દિવસોમાં પાર-તાપી-નર્મદા લિંકિંગ પ્રોજેક્ટના વિરોધમાં લડવા માટે પચ્ચીસ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ બેઠકમાં બેઠકમાં ૧૦૦ જેટલા કાર્યકરો કોઈપણ પક્ષના ભેદભાવ વગર ભેગા થયા હતા.
કાલીબેલ ગામે મળેલી બેઠકમાં સુનિલભાઈ ગામીત એડવોકેટ, માઈકલભાઈ, ચિરાગભાઈ, રોશનભાઈ, નિલેશભાઈ ઝાંબરે, લક્ષ્મણભાઈ બાગુલ, સુભાસભાઈ પાડવી તથા ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, આમ આદમી પ્રભારી મનીષભાઈ મારકણા, ડાંગ યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર, કૉંગ્રેસી આગેવાનોમાં મોહનભાઈ ભોયે, ગમનભાઈ ભોયે, તુસાર કામડી જેવા આગેવાનોએ સૂચિત ડેમોનો સખત વિરોધ કર્યો હતો અને ડેમો બનશે તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે તે અંગેની સમજ પુરી પાડી હતી.
ડાંગ જિલ્લાના સામાજિક આગેવાન મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે આ યોજનામાં સરકારના સરવે પ્રમાણે 37 ગામો અને 35 હજાર જેટલાં કુટુંબ અસરગ્રસ્ત થાય છે. આ સરવે ખોટો છે. અમે સ્થાનિક રીતે તપાસ કરી તો જણાયું કે ડુંગર પરના ગામો ડુબાણમાં જાય છે અને સપાટી પરના ગામો રહી જાય છે તેવું દર્શાવાયું છે જે શક્ય નથી. આથી સરવે જ ખોટો છે. આ યોજનામાં માત્ર ડાંગ જિલ્લાના જ 75 જેટલાં ગામ ડુબાણમાં જાય છે. જો સરકાર આ યોજના રદ નહીં કરે તો અમે જન આંદોલનની સાથે કોર્ટમાં પણ જઈશું.
ડાંગ જિલ્લાનાં કાલીબેલ ખાતે ડેમ હટાવો અને ડાંગ બચાવોની આદિવાસી સમાજનાં હિત માટે બેઠક મળી હતી. પરંતુ આ બેઠકમાં આદિવાસી સમાજનાં ભાજપાનાં આગેવાનો ફરકયા ન હતા. અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકારની સૂચિત ડેમ બનાવવાની યોજનાનાં મુદ્દે આદિવાસી સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી લડત આપવામાં આવી રહી છે.
શું છે પાર-તાપી-નર્મદા લીંક યોજના
402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક દ્વારા વાર્ષિક 1350 મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી વહન કરવાનુ આયોજન છે. દમણગંગા-પીંજલ લીંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક 577 મીલીયન ધન મીટર વધારાનુ પાણી પીવાનાં હેતુસર પુરૂ પાડવાનું આયોજન છે. પાર તાપી- નર્મદા લીંક કેનાલનાં આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓનાં સ્ત્રાવક્ષેત્રમાં ફુલ સાત જળાશયાનાં બાંધકામનો સમાવેશ થાય છે. દમણગંગા-પીંજલ લીંક નાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દક્ષિણ ગુજરાતની સાત નદીઓને જોડીને પાર તાપી નર્મદા લીંક પ્રોજેકટ શરૃ કરનાર છે. આ પ્રોજેકટ હેઠળ દક્ષિણ ગુજરાતની સાત નદીઓને એકબીજા સાથે જોડી દેવાશે. જેમાં દરેક નદીઓ પર એક ડેમ બાંધવામાં આવશે. અને તમામ સાત નદીઓને જોડીને જે પાણી સંગ્રહાશે તે તમામ ડેમનું પાણી ઉકાઇ જળાશયમાં ઠલવાશે.ઉકાઇ ડેમથી એક કેનાલ બનાવીને તેને સરદાર સરોવર સાથે જોડી દેવાશે.
આ પણ વાંચોઃ Ahmedabad serial blast case Judgement: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિત જાહેર, દોષિતોને કાલે સજા સંભળાવાશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે