ધૂળેટીએ જગતમંદિર દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ઉજવવા કૃ્ષ્ણભક્તો મક્કમ

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે જગત મંદિર દ્વારકામાં ( Dwarka ) હોળી-ઘૂળેટીના તહેવારે ઉજવાતો ફુલડોલ ઉત્સવ ઉજવવા સામે મનાઈ ફરમાવી છે. જેની સામે કૃષ્ણ ભક્તો નારાજ છે. અને આગામી 29મી માર્ચે જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવ ઉજવવા મક્કમ છે.

| Updated on: Mar 24, 2021 | 1:02 PM

દર વર્ષે હોળી ધુળેટી પર્વે દેવભુમિ દ્વારકાના ( Dwarka )  જગત મંદિરે ઉજવાતા ફુલડોલ ઉત્સવની ઉજવણી ઉપર કોરોના સંક્રમણ થવાના ભયે પ્રતિબંધ મુકતા, કૃષ્ણ ભક્તોમાં તેના ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. ગુજરાત રાજ્યમાં આ વખતે કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લઈને, સ્થાનિક વહીવટીતંત્ર અને સરકારે જ્યા ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના જગત મંદિરનો પણ સમાવેશ થાય છે. જગતમંદિર દ્વારકામાં દર વર્ષે હોળી અને ઘુળેટીના પર્વે ભવ્યાતિભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ ઉજવાતો આવે છે. જો કે આ વખતે સ્થાનિક વહીવટીતંત્રે ફુલડોલ ઉત્સવ ઉજવવા પર મનાઈ ફરમાવતા, સૌરાષ્ટ્રભરના કૃષ્ણ ભક્તોની લાગણી કચવાઈ છે. સરકાર અને સ્થાનિક તંત્રના આ નિર્ણયની સામે જામનગરના કૃષ્ણભક્તો પગપાળા નિકળી પડ્યા છે. દર વર્ષે હોળી અને ધૃૂળેટીએ જગત મંદિર દ્વારકામાં રંગોત્સવથી ફુલડોલ ઉજવતા કૃષ્ણ ભક્તો આ વખતે પણ જગત મંદિર દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ઉજવવા તત્પર બન્યા છે.

જામનગરથી પગપાળા જગત મંદિરે નિકળેલા કૃષ્ણ ભક્તો આગામી 29મી માર્ચના રોજ દેવભૂમિ દ્વારકાના જગત મંદિરે પહોચશે. જ્યા વહીવટી તંત્રના પ્રતિબંધ હોવા છતા, વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જગત મંદિરના પ્રાંગણમાં ફુલડોલ ઉત્સવ ઉજવશે. દેવભૂમિદ્વારકાના જગતમંદિરમા ફૂલડોલ ઉત્સવ દરમિયાન ભકતોને પ્રવેશ બંધ રાખવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વખતે કોરોનાના કારણે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ભકતોને જગત મંદિરમાં પ્રવેશ બંધનો હુકમ ફરમાવ્યો છે. આમ છતા, કૃષ્ણ ભકતો જગત મંદિરના પ્રાંગણમાં જ પરંપરાગત ફુલડોલ ઉત્સવ ઉજવવા મકકમ છે. દ્રારકામાં ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે જામનગરથી નિકળેલી પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભકતો જોડાશે.

કેટલાક ભક્તોનું કહેવુ છે કે, રાજકારણીઓને ચૂંટણીના સમયે ચૂંટણી સભા યોજવામાં, જાહેર રેલી સંબોધવામાં ક્યાય કોરોના કે કોરોનાનું સંક્રમણ વધે તેના માટે મનાઈ ફરમાવાતી નથી તો ભક્તો દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવારો ઉજવવા સામે કેમ મનાઈ ફરમાવાય છે.  કોરોનાકાળમાં જ ગાંધીનગર મહાનગર પાલિકા અને મોરવા હડફમાં ચૂંટણી યોજવા સામે કોરોના સંક્રમણ વધે તેવી સંભાવના હોવા છતા ચૂંટણીઓ યોજાઈ રહી છે. માત્રને માત્ર પ્રજા દ્વારા ઉજવાતા તહેવારો ઉજવવા સામે મનાઈ ફરમાવાઈ રહી છે. જેની સામે સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાંથી કૃષ્ણભક્તોનો ભારે વિરોધ છે.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">