Loksabha Election 2024 : સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો છે ખાસ, જાણો શું છે અહીંનું રાજકીય સમીકરણ

|

May 06, 2024 | 4:15 PM

આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર રાજકીય એપી સેન્ટર રહ્યું,વિકાસના મુદ્દાઓ બાજુ પર રહ્યા અને વિવાદ હાવી થયો હોય તેવો માહોલ સર્જાયો ત્યારે આવો જોઇએ સૌરાષ્ટ્રની બેઠકો પર કેવા છે રાજકીય સમીકરણો અને કેવો રહ્યો પ્રચાર આ રિપોર્ટમાં.

Loksabha Election 2024 : સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો છે ખાસ, જાણો શું છે અહીંનું રાજકીય સમીકરણ
Saurashtra Kutch seats

Follow us on

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થઇ ગયા છે.રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર રાજકીય એપી સેન્ટર રહ્યું,વિકાસના મુદ્દાઓ બાજુ પર રહ્યા અને વિવાદ હાવી થયો હોય તેવો માહોલ સર્જાયો ત્યારે આવો જોઇએ સૌરાષ્ટ્રની બેઠકો પર કેવા છે રાજકીય સમીકરણો અને કેવો રહ્યો પ્રચાર આ રિપોર્ટમાં.

લોકસભાની ચૂંટણી જાહેર થયાના 50 દિવસ પૂર્ણ થયાં.રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે અનેક પ્રયત્નો કર્યા. કોઇ નેતાઓએ રિક્ષા ચલાવી તો કોઇ નેતાઓએ ભજન મંડળીઓમાં રામધૂન બોલાવી,રાજકીય પક્ષોના વિવાદીત બોલને કારણે રાજકારણ ગરમાયું,ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાના રાજા રજવાડા પરના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં વિરોધની આંધી આવી,તો કોંગ્રેંસના નેતાના સરદારના અસલી વારસદાર કોણ અને ગાંધીજી પર કરેલી ટિપ્પણીને કારણે વિપક્ષ મુંજવણમાં મુકાઇ.

વિકાસના મુદ્દે ચર્ચા કરવાના બદલે વિવાદના મુદ્દાઓ જોવા મળ્યા, પરંતુ આ વિવાદો અને વિરોધની મતદારો પર અસર થાય છે ખરા..7 મે ના રોજ જ્યારે મતદાન છે ત્યારે ક્યાં મુદ્દાની કેટલી અસર થશે તે તો મતદારોએ નક્કી કરી જ લીધું હશે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

રાજકોટ બેઠક

રાજકોટ લોકસભા બેઠક આ વખતની ચૂંટણીમાં એપી સેન્ટર રહ્યું છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વંટોળ વધ્યો. રૂપાલાથી શરૂ થયેલો વિરોધ ભાજપ સુધી પહોંચી ગયો.કોંગ્રેસે મોકો જોઇને આ સીટ પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા.

ક્ષત્રિય સમાજનો વિરોધ જોતા ભાજપે પણ રણનિતી બદલી.આ સીટ પર ભાજપે ઓબીસી સમાજ પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને ઓબીસી સમાજમાં આવતા નાના સમાજોના 54થી વધારે સંમેલનો યોજ્યા,સામા પક્ષે કોંગ્રેસે ક્ષત્રિય સમાજની નારી અસ્મિતાનો મુદ્દો આગળ કરીને મતદારો વચ્ચે પહોંચ્યા.કોંગ્રેસને આ સીટ પર લેઉવા પાટીદાર તેની સાથે રહેશે તેવી આશા છે.

ઓવર ઓલ 50 દિવસના પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસનો પ્રચાર ખુબ જ નિરાશાજનક જોવા મળ્યો છે.ક્ષત્રિય વિરોધને કારણે ભાજપના એકપણ સ્ટાર પ્રચારકો રાજકોટમાં સભાને સંબોધન કરવા આવ્યા નથી એટલું જ નહિ એકપણ મોટી સભાનું આયોજન થયું નથી.

બીજી તરફ કોંગ્રેસે પણ ક્ષત્રિય અસ્મિતાને આગળ રાખીને પ્રચારનો એજન્ડા એ જ બનાવ્યો, પરંતુ આ સીટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે પ્રચાર માટે આવવાના હતા જેનો પણ કાર્યક્રમ રદ્દ થતા પ્રચાર નિરશ જોવા મળ્યો હતો.પરશોત્તમ રૂપાલાએ શહેરી વિસ્તારોમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું જ્યારે પરેશ ધાનાણીએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યો.આ સીટ પર ભાજપ સામે ક્ષત્રિય આંદોલન મોટો પડકાર છે જ્યારે કોંગ્રેસ માટે આંતરિક જુથવાદ.

રાજકોટ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીં ક્ષત્રિયોના મતો નિર્ણાયક સ્થિતિમાં નથી, પરંતુ કોંગ્રેસના લેઉવા પાટીદાર દાવની અસર મતદાન પર જોવા મળે તેવી શક્યતા છે.આ સીટ પર ઓબીસી મતદારો નિર્ણાયક બની શકે છે અને એટલા માટે જ ભાજપે નાના સમાજોને આકર્ષવાની રણનિતી બનાવી છે.ઓવરઓલ આ સીટ પર ભાજપનું પલડું ભારે લાગી રહ્યું છે.

હવે સૌરાષ્ટ્રની અન્ય બેઠકોની વાત કરીએ,જેમાં સૌ પ્રથમ બેઠક છે

જામનગર બેઠક

આ બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયા છે. જામનગર બેઠકમાં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી છે.આ બેઠક પર ભાજપના પડકારો પર નજર કરીએ તો ક્ષત્રિય આંદોલનની સાથે ભાજપનો આંતરિક જુથવાદ,લેઉવા પાટીદાર ફેક્ટર અને લધુમતીઓની નારાજગી ભાજપ માટે પડકાર છે.

જામનગર બેઠક પર આ વખતે ભાજપ તેની પરંપરાગત વોટબેંકમાં નુકસાન થાય તેવી સ્થિતિ છે.જેના કારણે કાલાવડ,જામનગર ઉત્તર અને જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પર નુકસાન થાય તેવી શક્યતા છે.જેની સામે જામનગર દક્ષિણ,જામજોઘપુર,ખંભાળિયા અને દ્રારકા વિધાનસભા સીટ પર ફાયદો થાય તેવી શક્યતા છે.

ક્ષત્રિય આંદોલનને સ્થાનિક નેતાઓ ડેમેજ કન્ટ્રોલ ન કરી શકતા અને પૂનમ માડમના વ્યક્તિગત વિરોધને કારણે આ સ્થિતિનું ગણિત બદલાતું જોવા મળી રહ્યું છે.આ સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરના જામસાહેબ સાથે મુલાકાત કરીને ક્ષત્રિય વિરોધ ખાળવાની કોશિશ કરી.આ સીટ પર લેઉવા પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થશે.ઓવરઓલ આ સીટ પર કાંટે કી ટક્કર જોવા મળી છે.જો આ સીટ પર હાર જીતનું માર્જીન રહે તેવી શક્યતા છે.

જૂનાગઢ લોકસભા

આ સીટ સંપૂર્ણ રીતે જ્ઞાતિ આધારીત સીટ છે.આ સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમા મેદાને છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિરા જોટવા છે. આ સીટ પર ક્ષત્રિય સમાજનું એટલું પ્રભુત્વ નથી પરંતુ જરૂર કારડિયા રાજપૂત સમાજની નોંધપાત્ર વસ્તી રહેલી છે.

આ સીટ પર જ્ઞાતિ આધારીત સમીકરણને કારણે બરાબરનો જંગ જામ્યો છે.જો આ સીટ પર કોળી સમાજની સામે આહિર સમાજ અને કારડિયા સમાજ ભેગા થાય અને સૌરાષ્ટ્રની અન્ય સીટોની માફક લેઉવા પાટીદારનું ફેક્ટર જોડાઇ તો કોંગ્રેસને ફાયદો થઇ શકે છે.

શહેરી વિસ્તાર મજબુત હોવાને કારણે આ સીટ પર ભાજપનું પલડું ભારે છે, તેવામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને હિરા જોટવા વચ્ચેના આંતરિક ખગરાગની સીધી જ અસર આ બેઠક પર જોવા મળશે.ઓવરઓલ આ સીટ પર રાજેશ ચુડાસમાને હિરા જોટવા બરાબરની ટક્કર આપી રહ્યા છે, પરંતુ ભાજપની સંગઠન શક્તિ અને ઉંચુ મતદાન ભાજપને ફાયદો કરાવી શકે છે.

સુરેન્દ્રનગર બેઠક

ક્ષત્રિય સમાજના આંદોલનની અસરગ્રસ્ત આ સીટ આવેલી છે.રાજકોટ જામનગર બાદ સૌથી વધારે વિરોધ પ્રદર્શન અને ભાજપ સામે નારાજગી આ સીટ પર જોવા મળી છે.આ સીટ પર ક્ષત્રિય મતોની ભાજપને ચોક્કસ જ નુકસાની થવાની શક્યતા છે.

ક્ષત્રિય આંદોલનની સાથે સાથે આ સીટ પર ચુવાળિયા કોળી અને તળપદા કોળીનો વિવાદ પણ ચરમસીમા પર છે. આ સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ચંદુ શિહોરા છે, જે ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે, જ્યારે કોંગ્રેસે આ સીટ પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે, જેઓ તળપદા કોળી છે.

ચંદુ શિહોરાને ટિકિટ આપવામાં આવી ત્યારે તળપદા કોળી સમાજે વિરોધ કર્યો હતો અને સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની વસ્તી નોંધપાત્ર છે. તેવામાં કોંગ્રેસે તળપદા કોળી સમાજને ટિકિટ આપીને રાજકીય દાવ ખેલ્યો છે.

જો કે કોળી અને ક્ષત્રિય મતદારોની સાથે આ સીટ પર સતવારા,જૈન અને બ્રાહ્મણ સમાજ પણ નોંધપાત્ર છે.આ ઉપરાંત આ સીટમાં વિરમગામ અને ધંધુકાનો મત વિસ્તાર પણ આવે છે જેના કારણે વિરમગામમાં પાટીદાર મતદારો,ધંધુકામાં કારડિયા રાજપૂત સમાજ ભાજપને જરૂરથી ફાયદો કરાવશે.ઓવરઓલ આ સીટ પર ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપને નુકસાન થશે તે વાત નક્કી છે.

ભાવનગર બેઠક

આ સીટ કોળી બહુમતી ધરાવતી બેઠક છે.ઇન્ડિયા ગઠબંધનની સૌરાષ્ટ્રની આ સીટ છે.અહીં ભાજપના ઉમેદવાર તરીકે નિમુ બાંભણિયા છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણા છે.આ બેઠક પર પણ ક્ષત્રિય આંદોલનની અસર છે.

ભાવનગર બેઠક પર 1 લાખ 60 હજાર ક્ષત્રિયોના મત રહેલા છે પરંતુ સૌથી વધારે 3 લાખ મતો કોળી સમાજના છે.આ ઉપરાંત બ્રાહ્મણ પાટીદાર અને ઓબીસી સમાજની મોટી વોટબેંક રહેલી છે.ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપને આ સીટ પર તેની પરંપરાગત વોટબેંકની નુકસાની થશે પરંતુ કોળી અને ઓબીસી મતદારોને કારણે ભાજપનું આ સીટ પર પલડું ભારે જોવા મળી રહ્યું છે.

અમરેલી બેઠક

અમરેલી બેઠક લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી આ બેઠક છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર મેદાને છે. લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી આ બેઠકમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક જુથબંધી છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાના ગ્રુપના માનવામાં આવે છે જેની સામે સ્થાનિક ભાજપના નેતાઓમાં નારાજગી છે. અમરેલી જિલ્લાનો જુથવાદ જાહેરમાં જોવા મળ્યો હતો.

બીજી તરફ કોંગ્રેસના શિક્ષિત મહિલા ઉમેદવાર છે.જેની ઠુમ્મર લોકચાહના પણ ધરાવે છે.શિક્ષિત ઉમેદવાર તરીકે છાપ ધરાવતા જેની ઠુમ્મરની લોકચાહનાએ ભાજપને ઉંધ ઉડાડી છે.જો કે ચૂંટણી રણનિતીમાં માહેર ભાજપે આ સીટ પર જાફરાબાદ,રાજુલા બેઠક પર પોતાનું ધ્યાન કેન્દ્રીય કર્યું છે.બંન્ને પાટીદાર ઉમેદવાર હોવાને કારણે મતોમાં વિભાજન થાય તે સ્વભાવિક છે જેના કારણે કોળી વોટબેંકને અંકે કરવા માટે ગણિત ગોઠવ્યું છે.જો ભાજપને આ રણનિતીમાં સફળતા મળશે તો ભાજપની જીત નિશ્વિત છે.

કચ્છ બેઠક

કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા છે જેની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નીતિશ લાલન છે.આ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે.સૌરાષ્ટ્રની અન્ય સીટોની જગ્યાએ કચ્છ બેઠક પર પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળે તેવી શક્યતા છે.આ સીટ પર દલિત,મુસલીમ,પટેલ અને આહિર સમાજનું પ્રભુત્વ રહેલું છે.

આ સીટ પર ભાજપના હિન્દુત્વનું કાર્ડ ચાલે છે.જો કે આ વખતે ક્ષત્રિય આંદોલનને કારણે સ્થિતિ બદલાઇ હોય તેવું ગણિત છે.ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સ્વચ્છ અને યુવા ચહેરો છે જેનો ભાજપને ચોક્કસ ફાયદો થશે.આ સીટ પર ભાજપ સામે ક્ષત્રિય આંદોલન હોવા છતા ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.

પોરબંદર બેઠક

પોરબંદર લોકસભા બેઠક ભાજપ માટે સૌરાષ્ટ્રની સૌથી મજબુત બેઠક છે.આ સીટ પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને છે.જેની સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા છે.આ સીટ પર ભાજપ માટે અર્જુન મોઢવાડિયા મજબુત પાસુ સાબિત થશે.લેઉવા પાટીદાર અને કડવા પાટીદારના પ્રભુત્વવાળી આ સીટ પર મનસુખ માંડવિયાની જીત નિશ્વિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નિર્વિવાદીત ચહેરા અને ગોંડલ,જેતપૂર,ધોરાજી જેવી ભાજપના ગઢ સમાન વિધાનસભા આ વિસ્તારમાં આવતી હોવાને કારણે ભાજપનું પલડું ભારે છે વળી અર્જુન મોઢવાડિયાને કારણે કુતિયાણા અને પોરબંદર પંથકમાં પણ ભાજપને ફાયદો થશે તેવી શક્યતા છે.કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આ સીટ પર માંડવિયા સામે આયાતી ઉમેદવારનો આક્ષેપ કરીને ચૂંટણી પ્રચાર કર્યો પરંતુ તેમાં તેને જોઇએ તેટલી સફળતા મળે તેવું લાગતું નથી.

સૌરાષ્ટ્રની આઠ લોકસભા બેઠકમાં ભાજપનું પલડું ભારે છે પરંતુ આઠ પૈકી પાંચ બેઠકોમાં ક્ષત્રિય આંદોલનની અસર વર્તાશે અને આ ચૂંટણીમાં ભાજપ તેની પરંપરાગત વોટબેંક ગુમાવી શકે છે.લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે દરેક સીટ પર પાંચ લાખથી વધારે મતોથી વિજેતા બનવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રની આઠ સીટો પૈકી એકાદ સીટને બાદ કરતા આ ટાર્ગેટ ભાજપ માટે મુશ્કેલ હોય તેવું લાગી રહ્યું છે.

ચૂંટણી પ્રચારમાં દરેક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા અવનવા કરતબો કરતા હોય છે પરંતુ હવેનો મતદાર શાણો અને સમજું છે અને તેના મતાધિકારનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરે છે ત્યારે 50 દિવસના ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યાં મુદ્દાઓ હાવી રહ્યા અને મતદારોએ ક્યાં મુદ્દાઓને પસંદ કર્યા તે 4 જુને આવનારા પરિણામ પરથી જ જાણી શકાશે.

Published On - 4:14 pm, Mon, 6 May 24

Next Article