Kutch: બે દિવસ જાતે ફરીને સિંચાઈ વિભાગના કામોની સમીક્ષા કુંવરજી બાવળીયાએ કરી, અધિકારીઓને આપી જરૂરી સૂચના
કચ્છમાં સિંચાઇ પાણી પુરવઠાના ચાલતા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા પાણી પુરવઠા મંત્રીએ સૂચના આપી હતી. બે દિવસીય મુલાકાત દરમ્યાન પેયજળ અને સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી કુંવરજી બાવળીયાએ મેળવી હતી.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ કચ્છના માંડવી, મુંદરા, અંજાર તથા રાપર તાલુકામાં વિવિધ ગામોમાં ચાલતા સિંચાઇ તથા પાણી પુરવઠા વિભાગ હસ્તકના કામોનું જાત નિરીક્ષણ કરીને કામની પ્રગતિ અંગે માહિતી મેળવી કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રીએ બે દિવસીય મુલાકાત દરમ્યાન પેયજળ અને સિંચાઈ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી.
મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. માંડવી ખાતે મંત્રીએ પાણી પુરવઠાના ડી-સેલીનેશન પ્લાન્ટના ચાલુ કામની મુલાકાત લઈને કામની પ્રગતિ અંગે જાણકારી મેળવીને વર્ષ 2024 પૂર્વે પૂર્ણ કરવા સુચના આપી હતી.
મોટી ભુજપુર ખાતે સિંચાઇ વિભાગના રીચાર્જ બોરવેલના કામની મુલાકાત લઇને જાણકારી મેળવી હતી. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કચ્છમાં લોકો પાણીનું મહત્વ સમજીને સ્વયંભુ કામ કરતા થયા છે તે ખુશીની વાત છે. સરકાર તો આ દિશામાં કામ કરી રહી છે સાથે લોકો પણ તેમના વિસ્તારમાં જરૂરી જાગૃતિ લાવીને જળસંચયના કામ કરી રહ્યા છે.
મુંદરા અને માંડવી તાલુકામાં નિમાર્ણ થનારા રીચાર્જ બોરવેલ અંગેના સમગ્ર આયોજન અંગે મંત્રીએ સ્થાનિક આગેવાનો તથા અધિકારીને અવગત કર્યા હતા. ધારાસભ્યએ આ મુલાકાત દરમ્યાન મુંદરા તાલુકામાં અમુક સ્થળે પાળા બનાવવાની શકયતા ચકાસીને જળસંચયની કામગીરી કરવા અંગેની જરૂરીયાત અંગે રજૂઆત કરી હતી.
અંજાર મુલાકાત દરમ્યાન ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા ઉપસ્થિત રહીને પાણી યોજનામાં મેઘપરને સમાવી લેવા સૂચન કર્યું હતું. મંત્રીએ નોર્થન લીંક પાઇપલાઇન પ્રોજકેટ અંતર્ગત અંજાર તાલુકાના રાપર વિસ્તારમાં થતી કામગીરીની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.
રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મુલાકાત દરમિયાન રાપર વિસ્તારના પાણીના પ્રશ્નો વિશે મંત્રીને અવગત કરાવ્યા હતા. અને નવા ક્યા સ્થાન અને સ્ત્રોતોથી પાણીની માંગને પૂર્ણ કરી શકાય તેના આયોજન વિશે પણ ધારાસભ્યએ વિસ્તૃત જાણકારી આપી હતી.
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો