Kutch: કોરોના સામે લડવા કચ્છનું તંત્ર સજ્જ, પ્રભારી સચિવે કરી તૈયારીઓની સમીક્ષા
કચ્છમાં અત્યાર સુધી 88 ટકા વેકસીનેશન પૂર્ણ થયુ છે. સાથે રાપર અને બન્ની વિસ્તારમાં રસીકરણનો રેશીયો ઓછા હોવા બાબતે બેઠકમાં ચર્ચા કરાઇ.
કોરોના વાઈરસ (Corona virus)ના કેસોમાં દિવસે દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં હોસ્પિટલ્સ (Hospitals)માં બેડની વ્યવસ્થા રાખવા માટે તંત્ર સક્રિય થઈ ગયુ છે. કચ્છ (Kutch)માં પણ કોરોના દર્દીઓ માટે પૂર્વ તૈયારી કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી. જિલ્લા પ્રભારી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. જેમાં બેડ કેપીસીટી,ઓક્સીજનનો જથ્થો, તથા તમામ આરોગ્ય સુવિદ્યાની ઉપલબ્ધી અંગે ચર્ચા કરાઈ હતી.
ધનવંતરી રથ થશે મદદરૂપ
કચ્છમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના સરેરાશ કેસો 50થી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે પ્રભારી સચિવે કચ્છની મુખ્ય સિવિલ હોસ્પિટલ તથા લેઉવા પટેલ સમાજ સંચાલિત હોસ્પિટલની મુલાકાત લઈ કચ્છના વહીવટી તંત્ર સાથે બેઠક કરી જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં હાલમાં કાર્યરત 36 ધનવંતરી રથોની કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી. તેમજ આવતા સપ્તાહે વધુ 38 ધનવંતરી રથ જોડાઈને કુલ 74 ધનવંતરી રથ કાર્યરત કરાશે.
88 ટકા વેક્સીનેશન પૂર્ણ
કચ્છ જિલ્લાના કુલ 76 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કોન્ટેક ટ્રેસીંગ વધારવા તેમજ ટેસ્ટીંગ પણ તેમાં આવરી લેવાના આયોજન અંગે જીલ્લા આરોગ્ય અધિકારીએ સૂચનો કર્યા હતા. તેમજ જિલ્લામાં થઈ રહેલા 100 ટકા RTPCR ટેસ્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કચ્છમાં અત્યાર સુધી 88 ટકા વેકસીનેશન પૂર્ણ થયુ છે. સાથે રાપર અને બન્ની વિસ્તારમાં રસીકરણનો રેશિયો ઓછા હોવા બાબતે પણ ચર્ચા કરાઈ હતી.
બેડની પુરતી સુવિધા
કચ્છમાં અત્યારે કુલ 3,984 બેડસ ઉપલબ્ધ છે. સાથે કેસ વધ્યા બાદ જરૂર પડે તો વધારાના 179 ICU વેન્ટીલેટર બેડ, 796 બેડસ, 1,068 રૂમ એર બેડસ થઇ કુલ 2,066 પથારીની વ્યવસ્થા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કરી શકાશે. તમામ આયોજન અંગેની માહિતી વહીવટી તંત્રએ આપી હતી.
બાળકો માટે જિલ્લામાં ઓકિસજન અને ICU થઇ કુલ 180 બેડ તેમજ 70.27 મેટ્રીક ટન ઓકસિજનનો જથ્થો કચ્છમાં છે. તેમજ વધારાના જથ્થા અંગે થઈ રહેવા આયોજન અંગેની પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. પ્રભારી સચિવે ઓકિસજનની માગ અને પુરવઠાની વ્યવસ્થા જળવાય તે માટે રીવ્યુ કરવા પર ભાર મૂકયો હતો.
દવાઓના જથ્થા પર ચર્ચા
આ બેઠકમાં દવાઓના જથ્થા, રેમડેસીવીર ઈન્જેક્શનના જથ્થા અંગે પણ માહિતી મેળવી હતી. સાથે જિલ્લાના સામુહિક, પ્રાથમિક, સબસેન્ટર અને અર્બન આરોગ્ય કેન્દ્રોમાં તેમજ વિવિધ કોવિડ કેર સેન્ટર અને સમરસ હોસ્ટેલની સુવિધા, ખાનગી સંસ્થા અને કંપનીના સહયોગ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી.
કચ્છમાં પણ રાજ્યની સાથે કેસોની સંખ્યા વધી રહી છે. બીજી લહેર સમયે પુરતા આયોજનના અભાવે અનેક સ્થળો પર મુશ્કેલીના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે ત્રીજી લહેરમાં કચ્છમાં આગોતરા આયોજન અંગે સમીક્ષા કરાઇ હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી, નવા 5677 કેસ, ઓમીક્રોનના 32 નવા કેસ
આ પણ વાંચોઃ Surat : કોરોના વધતાં સંક્રમણના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કાર્યક્રમ મોકૂફ